જનતાની વેદના, પ્રશ્નો અને સમસ્યાઓને વાચા આપવા ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં જન આક્રોશ સભાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત આજરોજ વડોદરા જિલ્લાના સાવલી વિધાનસભા વિસ્તારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડાની અઘ્યક્ષતામાં ભવ્ય જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું.
સાવલી પંથકમાં લાંબા સમયથી પીવાના શુદ્ધ પાણીની સમસ્યા, સિંચાઈ માટે પૂરતું પાણી ન મળતું, વીજ પુરવઠો અનિયમિત રહેવો, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં રસ્તાની અત્યંત બગડેલી સ્થિતિ,બેરોજગારીથી પીડાતા યુવાનો માટે રોજગારની તકોનો અભાવ ચારે તરફ ભ્રષ્ટાચાર સહિત સમસ્યાઓને લઈને લોકોએ સભામાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાએ જણાવ્યું કે એક સમયે ગામમાં જમાદાર આવે એટલે ખોટું કામ કરનારા ભાગી જતા સંતાઈ જતા આજે સ્થિતિ એવી છે કે જમાદાર નહિ, ડીએસપી આવે તો પણ સૌથી પહેલા બુટલેગરો એને હાર પહેરાવવા જાય છે. કારણ સ્પષ્ટ છે દર મહિને હપ્તો સાવલીથી લઈને સીધો ગાંધીનગર સુધી પહોંચે છે.બુટલેગરો પણ ખુલ્લેઆમ કહે છે કે જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારો વાળ પણ વાંકો નહિ થાય કારણ કે હપ્તો ગાંધીનગર મુખ્યમંત્રીની ઓફીસ સુધી પહોંચે છે.
તાજેતરમાં માવઠાના કારણે ખેડૂતોનો લગભગ 90 ટકા પાક બરબાદ થયો છે. ગુજરાતમાં 50 લાખથી વધુ ખેડુતો દોઢ લાખ કરોડ રૂપિયાથી વધુની લોનના બોજ હેઠળ પીસાઈ રહ્યા છે, એટલે કે દર ખેડૂતના માથે સરેરાશ 56 હજાર રૂપિયાનું દેવું છે અને દેવા સાથે જીવી રહેલા ખેડુત પર જ્યારે માવઠાની મુસીબત આવી ત્યારે એને સરકાર પાસે આશા હતી કે સરકાર મદદ કરશે. પરંતુ સરકારે જે પેકેજ જાહેર કર્યું છે તે પેકેજ નહિ પરંતુ પડીકું સાબિત થયું છે. કારણ કે 10 હજાર કરોડના પેકેજના નામે ખેડુતોને વિધે માત્ર ₹3500 મળશે અને સરકાર આને એતિહાસિક પેકેજ કહે છે પણ આ ખેડૂતની પીડાનું અપમાન છે અને આ સરકારની ખેડૂતવિરોધી નીતિ દર્શાવે છે.
વધુમાં ભાજપના રાજમાં ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર અને સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની છે રાજ્યમાં દારૂ-ડ્રગ્સનું દુષણ વધ્યું છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે ભણેલા યુવાનોને નોકરી નથી સરકારી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિઓ થઈ રહી છે રૂપિયા લઈને નોકરીઓ આપવામાં આવી રહી છે પેપરો લીક થઈ રહ્યા છે અને સરકાર વિકાસના નામે બેનરો અને જાહેરાતો કરે છે, પરંતુ વાસ્તવિક જનજીવનમાં સામાન્ય માણસનું જીવન આ ભાજપના રાજમાં વધુ મુશ્કેલ બન્યું છે.
આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા કોંગ્રેસ શ્રી પ્રમુખ જશપાલસિંહ પઢીયાર, પૂર્વ ધારાસભ્ય શ્રી ખુમાનસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ શ્રી સાગરભાઈ સહિત જિલ્લા, તાલુકાના હોદ્દેદારો વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.


















Recent Comments