અમરેલી

સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓએ જાતે સાવરણી પકડી હાથ ધરી સ્વચ્છતા ઝુંબેશ

રાજ્ય અને કેન્દ્ર સરકારના સ્વચ્છતા પ્રત્યેના વિશેષ અભિગમને સાકાર કરવાના ભાગરૂપે સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતે એક વિશેષ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુસાફરો અને નાગરિકોને સ્વચ્છ તથા બીમારીમુક્ત આરોગ્યપ્રદ વાતાવરણ મળી રહે તેવા ઉદ્દેશ્યથી આયોજિત આ સેવાયજ્ઞમાં સ્થાનિક જનપ્રતિનિધિઓ, એસ.ટી. તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહભેર જોડાયા હતા.

​આ સ્વચ્છતા અભિયાન દરમિયાન સાવરકુંડલા નગરપાલિકાના પ્રમુખશ્રી નયનાબેન અતુલભાઇ કાપડિયા, નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ સાવરકુંડલા એસ.ટી. ડેપો મેનેજર શ્રી નથવાણી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

​કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ માત્ર માર્ગદર્શન આપવાને બદલે સ્વયં સાવરણી હાથમાં લઈને એસ.ટી. બસ સ્ટેન્ડના અંદરના ભાગો, પ્લેટફોર્મ અને આવન-જાવનના સમગ્ર પરિસરમાં સફાઈ કામગીરી કરી હતી. નેતૃત્વના આ શ્રમદાનથી પ્રેરાઈને ડેપોના અન્ય કર્મચારીઓએ પણ ઉત્સાહપૂર્વક જોડાાઈને સમગ્ર ડેપો પરિસરને ચોખ્ખું-ચણાક બનાવવામાં યોગદાન આપ્યું હતું. 

​બસ સ્ટેન્ડ જેવા ગીચ અને જાહેર સ્થળ પર નગરપાલિકા પ્રમુખ અને એસ.ટી. ડેપો મેનેજર દ્વારા જાતે શ્રમદાન કરીને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાની આ પ્રેરણાદાયી પહેલને સ્થાનિક નાગરિકો અને મુસાફરોએ ખૂબ બિરદાવી હતી. જો કે આવી ભાવના તમામ નાગરિકોમાં અહર્નિશ પ્રદિપ્ત થાય એવી અપેક્ષા.

Related Posts