રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી તા.૦૬ અને તા.૦૭ ડિસેમ્બર,૨૦૨૪ના રોજ રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪નું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ અંતર્ગત અમરેલી જિલ્લાના તમામ ૧૧ તાલુકામાં રવી કૃષિ મહોત્સવ-૨૦૨૪ યોજાશે. રવી કૃષિ મહોત્સવના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને અમરેલી જિલ્લા સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ, તાલુકા કક્ષાના નોડલ અધિકારીશ્રીઓને રવી કૃષિ મહોત્સવના આયોજન અંગે જરુરી દિશાનિર્દેશ આપ્યા હતા. રવી કૃષિ મહોત્સવ અંગે તાલુકા કક્ષાએ થયેલી કામગીરી વિશેની વિગતો મેળવી હતી. રવી કૃષિ મહોત્સવ કાર્યક્રમમાં પાણી, કાયદો-વ્યવસ્થા સહિત જરુરી વ્યવસ્થાઓ બાબતે ઘટતું કરવા જણાવ્યું.
આ કાર્યક્રમ અંગેની વિગતો મળે અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે તે માટે સ્થાનિક સ્તરે પદાધિકારીશ્રીઓ, ખેડુતો, મહાનુભાવો અને જનપ્રતિનિધીશ્રીઓને માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો. સંબંધિત અધિકારીશ્રીઓને ઇ-કેવાયસી અને ફાર્મર રજિસ્ટ્રેશન કામગીરી વધુ સઘન થાય અને દૈનિક રીતે તે અંગેની સમીક્ષા કરવા સૂચના આપી. મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાનાર રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તમામ તાલુકાઓમાં દર્શાવવામાં આવશે, આથી આ અંગે સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ બાબતે ઘટતું થાય તે જોવા સૂચના આપી હતી.
સમગ્ર બેઠકનું સંચાલન અને કાર્યક્રમની રુપરેખા આપતા અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કાનાણીએ કહ્યુ કે, રવી કૃષિ મહોત્સવમાં કૃષિ પરિસંવાદ, કૃષિ પ્રદર્શન, પશુ આરોગ્ય કેમ્પ, સેવાસેતુ કાર્યક્રમ જેવા વિવિધ કાર્યક્રમોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં બહોળી સંખ્યામાં જિલ્લાના ખેડૂતો ભાગ લેશે. આ ઉપરાંત મોડલ ફાર્મની મુલાકાતનો પણ અવસર મળશે.
રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી યોજનાઓ અમલી છે, ખેડૂતોને કૃષિલક્ષી વિવિધ યોજનાઓની વિગતો પણ આપવામાં આવશે. મિલેટસ વાનગી સ્પર્ધા અને નિદર્શન, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ, ખેતીમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ, કૃષિ અને પશુપાલન વિષયક સ્ટોલ્સ – નિદર્શન થશે. આ કાર્યક્રમમાં લાભાર્થીઓને આપવામાં આવનાર લાભને લગતી જરુરી કાર્યવાહી પૂર્ણ કરવી.
મહત્વનું છે કે, ખેડુતો-નાગરિકોને સ્થળ પર વિશેષ સુવિધા મળી રહે તે માટે કાર્યક્રમના સ્થળે આરોગ્ય કેમ્પ, ઇ-કેવાયસી અને ફાર્મર રજિસ્ટ્રેશન કામગીરી પણ કરવામાં આવશે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે જરુરી આયોજન કરવામાં આવ્યું છે. રવી કૃષિ મહોત્સવમાં વધુમાં વધુ ખેડુતો સહભાગી બને તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રી અમરેલી નાકીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચાવડા, વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ સંબંધિત અધિકારીશ્રીઓ અને કર્મયોગીશ્રીઓ જોડાયા હતા.
















Recent Comments