સાવરકુંડલા શહેરમાં નાવલી નદી પર ચાલી રહેલી રીવરફ્રન્ટની કામગીરી આગામી ચોમાસામાં સ્થાનિકો માટે આશીર્વાદને બદલે શાપ સાબિત થાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. શહેરની ભૌગોલિક રચના ‘ઉંધી રકાબી’ જેવી હોવાથી વરસાદી પાણી કુદરતી ઢોળાવ મુજબ નાવલી નદીમાં વહી જાય છે. પરંતુ નદીની બંને તરફ બનેલી ઊંચી RCC દિવાલમાં પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા રાખવામાં ન આવતા નગરપાલિકાના સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ પાલિકા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે.
ભૌગોલિક સ્થિતિ રૂંધાશે, ઘરો-દુકાનોમાં પાણી ઘૂસવાની ભીતિ
ધર્મેન્દ્ર મહેતાએ ચીફ ઓફિસર અને પ્રમુખને લેખિત અરજી પાઠવીને જણાવ્યું છે કે, રીવરફ્રન્ટના પ્રોજેક્ટમાં સ્ટ્રોમ વોટર ડ્રેઇન, વીપ હોલ કે પંપિંગની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. જો ચોમાસામાં ભારે વરસાદ પડશે તો આ ઊંચી દિવાલના કારણે વરસાદી પાણી નદીમાં જઈ શકશે નહીં. પરિણામે નાવલી નદીના કાંઠા વિસ્તારના નીચાણવાળા ભાગોમાં ભારે પાણી ભરાઈ જશે, જેનાથી નાગરિકોના માલસામાન અને જાનનું મોટું જોખમ ઊભું થશે.
સ્થાનિકો અને સદસ્યની મુખ્ય માંગણીઓ: ચોમાસું શરૂ થાય તે પહેલાં પાલિકા દ્વારા નિષ્ણાતોની કમિટી બનાવી તાત્કાલિક સ્થળ તપાસ કરવામાં આવે.
RCC દિવાલમાં યોગ્ય અંતરે અને પૂરતા વ્યાસના વરસાદી પાણીના નિકાલ માટેના હોલ બનાવવામાં આવે. કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી આગામી ચોમાસા દરમિયાન ઈમરજન્સી માટે હાઈ-પાવર ડી-વોટરિંગ પંપ તૈનાત રાખવામાં આવે.
નગરપાલિકા સદસ્ય ધર્મેન્દ્ર મહેતાએ તંત્રને ચીમકી આપતા જણાવ્યું છે કે, આગામી ૭ દિવસમાં આ બાબતે સ્થળ તપાસ કરી કરેલી કાર્યવાહીનો લેખિત અહેવાલ આપવામાં આવે અને ચોમાસા પહેલા યોગ્ય નિકાલની વ્યવસ્થા ગોઠવવામાં આવે જેથી સાવરકુંડલાના નદી કાંઠાના રહીશોને કોઈ મોટું આર્થિક કે શારીરિક નુકસાન ન ભોગવવું પડે.

















Recent Comments