રાષ્ટ્રીય

જે હૉસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટ

કોર્ટે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને ભારતીય વિકાસ સંસ્થા પાસેથી રિપોર્ટ માંગ્યો
દેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે બાળ તસ્કરીના કેસોમાં મોટો ર્નિણય આપ્યો છે. હૉસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થવા મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતાં કહ્યું કે, ‘જાે કોઈ હૉસ્પિટલમાંથી નવજાત શિશુ ચોરાઈ જાય તો સૌ પ્રથમ તે હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરો.‘ કોર્ટે દિલ્હી એનસીઆરમાં નવજાત શિશુઓની તસ્કરી કરતી ગેંગના પર્દાફાશ સાથે સંબંધિત સમાચારની નોંધ લઈને આ ટિપ્પણી કરી છે.
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં બાળ તસ્કરીના કેસમાં આદેશ આપ્યો છે અને દિલ્હીમાં આ ગેંગની ધરપકડની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું કે, ‘દિલ્હી ગેંગના ખુલાસાની ઘટના ખૂબ જ આઘાતજનક છે અને તેમાં કોર્ટની હસ્તક્ષેપની જરૂર છે.
કોર્ટે દિલ્હી પોલીસ પાસેથી આ અંગેની તપાસનો રિપોર્ટ પણ માંગ્યો છે. આ ઉપરાંત કોર્ટે પોલીસને દિલ્હીની અંદર અને બહાર બાળકોની ચોરી કરતી સક્રિય ગેંગ સામે કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવ્યા તે અંગે પણ પૂછ્યું હતું.
કોર્ટે સુઓમોટુ કેસની આગામી સુનાવણી ૨૧ એપ્રિલના રોજ નક્કી કરી છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચ હૉસ્પિટલોમાંથી બાળકોની ચોરીમાં સંડોવાયેલા ગેંગ સાથે સંબંધિત કેસમાં જામીન અરજીની સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને નીચલી કોર્ટમાં આત્મસમર્પણ કરવા કહ્યું. આ ઉપરાંત સીજેએમ વારાણસી અને એસીજેએમ વારાણસીને બે અઠવાડિયામાં સેશન્સ કોર્ટમાં કેસ નોંધવા અને એક અઠવાડિયાની અંદર ચાર્જ ફ્રેમનો નિર્દેશ આપ્યો હતો.
આ કેસ બાબતે મળતી માહિતી અનુસાર, સુપ્રીમ કોર્ટે મંગળવારના રોજબાળ તસ્કરીના કેસોના સંચાલન અંગે ઉત્તર પ્રદેશ પ્રશાસનની ટીકા કરી હતી અને આવા ગુનાઓને રોકવા માટે રાજ્યોને કડક માર્ગદર્શિકા જારી કરવા આદેશ આપ્યો હતો. બેન્ચે નીચલી અદાલતોને આવા કેસોની સુનાવણી છ મહિનામાં પૂર્ણ કરવાનો પણ આદેશ આપ્યો. અને અધિકારીઓને એવો નિર્દેશ આપ્યો કે, જાે કોઈ નવજાત શિશુની તસ્કરી થાય છે તો હૉસ્પિટલોના લાઇસન્સ સસ્પેન્ડ કરવું જાેઈએ.
આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે દેશભરની હાઇકોર્ટોને બાળ તસ્કરીના કેસોમાં પેન્ડિંગ કેસોની સ્થિતિ વિશે માહિતી આપવાનો નિર્દેશ આપ્યો છે. ત્યાર બાદ ૬ મહિનામાં ટ્રાયલ પૂર્ણ કરવા અને દૈનિક સુનાવણી હાથ ધરવા નિર્દેશ જારી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આ કડક ટિપ્પણી એ કેસની સુનાવણી કરતી વખતે કરી હતી, જેમાં એક તસ્કરી કરાયેલ બાળકને ઉત્તર પ્રદેશના એક દંપતીને સોંપવામાં આવ્યું હતું, જેઓ પુત્ર ઈચ્છતા હતા. જે કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે આરોપીને આગોતરા જામીન આપ્યા હતા.
આરોપીના જામીન રદ કરતાં સુપ્રીમ કોર્ટે કેસને જે રીતે નિપટાવવામાં આવ્યો હતો તેના માટે અલ્હાબાદ હાઇકોર્ટ અને ઉત્તર પ્રદેશ સરકાર બંનેને ઠપકો આપ્યો હતો.
બેન્ચે કહ્યું કે, આરોપીને પુત્ર જાેઈતો હતો અને તેણે ૪ લાખ રૂપિયામાં પુત્ર ખરીદ્યો. જાે તમને દીકરો જાેઈતો હોય તો તમે તસ્કરી કરેલું બાળક ખરીદી ન શકો. તેમને ખબર હતી કે બાળક ચોરાયેલું છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘હાઇકોર્ટે જામીન અરજીઓ પર આવી કાર્યવાહી કરી જેના કારણે ઘણા આરોપીઓ ફરાર થઈ ગયા. આવા આરોપીઓ સમાજ માટે ગંભીર પેદા કરી શકે છે. જામીન આપતી વખતે હાઇકોર્ટે ઓછામાં ઓછી દર અઠવાડિયે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની શરત આપવી જાેઈતી હતી. પોલીસ બધા આરોપીઓને શોધવામાં નિષ્ફળ રહી છે.‘
સરકાર પર કટાક્ષ કરતાં ન્યાયાધીશોએ કહ્યું કે, ‘અમે સંપૂર્ણપણે નિરાશ છીએ… કોઈ અપીલ કેમ કરવામાં આવી નહીં? આવા ગંભીર કેસમાં કેમ કોઈ ગંભીરતા દાખવવામાં આવી ન હતી.‘

Related Posts