યુક્રેનના સુમી શહેરમાં રશિયાએ કરેલા મિસાઇલ હુમલામાં ૩૪થી વધુ લોકોનાં મોત થયા છે અને અન્ય ૧૧૭ લોકો ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ હુમલા મામલે અધિકારીઓના જણાવ્યા અનુસાર પામ સન્ડેની ઉજવણી કરવા માટે લોકો એકત્ર થયા હતાં ત્યારે સવારે ૧૦.૧૫ કલાકે આ હુમલો કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, આ હુમલાના એક દિવસ પહેલા જ રશિયા અને યુક્રેનના વરિષ્ઠ રાજદ્વારીઓએ એકબીજા પર અમેરિકાના નેતૃત્ત્વવાળી બંને દેશો વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં નક્કી થયેલ શાંતિ સમજૂતી ભંગ કરવાનો આરોપ મૂક્યો હતો.
રશિયાના વિદેશ પ્રધાને આરોપ મૂક્યો છે કે મંત્રણા શરૂ કરવામાં આવ્યા પછી પણ યુક્રેન દરરોજ રશિયા પર હુમલા કરી રહ્યું છે. બીજી તરફ યુક્રેનના વિદેશ પ્રધાને જણાવ્યું છે કે મર્યાદિત હુમલા કરવા અંગે સંમત થયા પછી પણ રશિયાએ યુક્રેનમાં ૭૦ મિસાઇલ, ૨૨૦૦ ડ્રોન, ૬૦૦૦ એરિયલ બોંબ છોડયા છે.
યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયા દ્વારા બે બેલેસ્ટિક મિસાઇલ છોડવામાં આવી હોવાના રિપોર્ટને સમર્થન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ હુમલામાં અનેક લોકોનાં મોત થયા છે અને બચાવ અભિયાન ચાલી રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક માહિતી મુજબ અનેક નાગરિકોનાં મોત થયા છે અને અનેક નાગરિકો ઘાયલ થયા છે. ક્રૂર લોકો જ સામાન્ય નાગરિકોના પ્રાણ આવી રીતે લઇ શકે છે.
યુક્રેન પ્રમુખની ઓફિસના વડા એન્ડ્રી યરમાકના જણાવ્યા અનુસાર હુમલામાં વધારેમાં વધારે લોકોનાં મોત થાય તે માટે કલસ્ટર દારૂગોળાના ઉપયોગ કરવામાં આવ્યો હતો.
છેલ્લા ૭-૮ દિવસથી હુમલામાં સામાન્ય નાગરિકોને નિશાન બનાવી કરવામાં આવેલો બીજાે હુમલો છે. આ અગાઉ ચોથી એપ્રિલે ઝેલેન્સ્કીના હોમ ટાઉન ક્રીવી રિહમાં કરવામાં આવેલા હુમલામાં ૯ બાળકો સહિત ૨૦ લોકોનાં મોત થયા હતાં. ઝેલેન્સ્કીએ આ હુમલા અંગે વિશ્વના દેશોની પ્રતિક્રિયા માંગી હતી. મંત્રણા છતાં બેલેસ્ટિક અને હવાઇ બોંબના હુમલા બંધ થયા નથી. એક આતંકવાદી સામે જે કાર્યવાહી કરવામાં આવે છે તેવી કાર્યવાહી રશિયા સામે કરવાની જરૂર છે.
વિશ્વના અન્ય નેતાઓએ પણ આ હુમલાની ટીકા કરી છે. ફ્રાન્સના પ્રમુખ મેક્રોને જણાવ્યું છે કે આ હુમલાથી અમેરિકા નેતૃત્ત્વવાળી બંને દેશોની શાંતિ મંત્રણા પણ અસર પડશે.
મર્યાદિત હુમલા કરવા સંમત થયા પછી પણ રશિયાએ ૭૦ મિસાઇલ, ૨૨૦૦ ડ્રોન, ૬૦૦૦ એરિયલ બોંબ છોડ્યા : યુક્રેન

Recent Comments