રાજ્યમાં નવી શિક્ષણ નીતિ (NEP-2020) ના અસરકારક અમલીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણને વેગ આપવા માટે ગત રવિવાર, ૧૧ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ પાલનપુર ખાતે એક ભવ્ય ‘ગુજરાત સારસ્વત સન્માન અને સ્નેહમિલન-2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી નોલેજ વેલી ફાઉન્ડેશન અને ધ સ્કૂલ ઓફ સાયન્સ, પાલનપુરના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યભરના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરી તેમને બિરદાવવામાં આવ્યા હતા.
પ્રથમ તબક્કામાં ૨૧૨૧ શિક્ષકોનું બહુમાન
નોલેજ વેલી ફાઉન્ડેશનના ફાઉન્ડર અપૂર્વભાઈ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના ૩૪ જિલ્લાઓમાંથી ૧૫,૦૦૦ જેટલા પથદર્શક શિક્ષકોને સન્માનિત કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. જેના પ્રથમ તબક્કા રૂપે પાલનપુર ખાતે આયોજિત આ સમારોહમાં ૨૧૨૧ શ્રેષ્ઠ શિક્ષકોને તેમની ગુણવત્તાસભર કામગીરી માટે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
સાવરકુંડલાના શિક્ષકોએ શહેરનું ગૌરવ વધાર્યું
આ ગૌરવશાળી અવસરે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના શિક્ષકોએ પણ પોતાની વિશેષ ઓળખ ઊભી કરી છે. પીઠવડી પે સેન્ટર અંતર્ગત આવતા નીચે મુજબના શિક્ષકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા:
શ્રી યોગેશભાઈ લશ્કરી (શ્રી ગણેશગઢ પ્રાથમિક શાળા)
શ્રી જતીનભાઈ બનજારા (શ્રી પીઠવડી પે સેન્ટર શાળા)
શ્રી હરેશભાઇ ચોડવડીયા (શ્રી ભેંકરા પ્રાથમિક શાળા)
મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેત ઠાકર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી શાંતિભાઈ જોશી, તખુંભાઈ સાંડસુર, સંજયભાઈ દવે તેમજ વિવિધ સંત-મહંતો અને શિક્ષણ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલાના શિક્ષકોની આ સિદ્ધિ બદલ અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંગઠન અને સાવરકુંડલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંગઠન દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે.



















Recent Comments