અમરેલી

સાવરકુંડલાના પનોતા પુત્ર અને હાસ્યસમ્રાટ રતિલાલ બોરીસાગરનું ‘પદ્મશ્રી’થી બહુમાન: નૂતન કેળવણી મંડળ દ્વારા ભવ્ય સન્માન સમારોહ

શબ્દને જેણે હસાવ્યા, 

હાસ્યને પદવી મળી,

આજ માતૃસંસ્થાના આંગણે ખુશીઓ ખીલી.

ગુજરાતનું ગૌરવ બનીને 

જેઓ ઝળક્યા જગમાં,

એ ‘રતિ’ના તેજથી ઝળહળે 

કુંડલાની ગલી ગલી.

   – – “પાંધી સર”

ગુજરાતી સાહિત્ય જગતના અગ્રગણ્ય હાસ્યસર્જક અને આજીવન શિક્ષક એવા આદરણીય શ્રી રતિલાલ બોરીસાગર સાહેબને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત ‘પદ્મશ્રી’ પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિને વધાવવા અને સાહેબના શિક્ષણ તથા સાહિત્ય ક્ષેત્રના અમૂલ્ય પ્રદાનની કદર કરવા માટે તેમની માતૃસંસ્થા ‘શ્રી નૂતન કેળવણી મંડળ’ દ્વારા સાવરકુંડલા ગુરુકુળના ઘેલાણી પ્રાર્થના હોલ ખાતે તારીખ ૧૦ માર્ચના મંગળવારે સવારે ૯-૦૦ કલાકે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે. 

શ્રી રતિલાલ બોરીસાગરનું બાળપણ, શિક્ષણ અને એક આદર્શ શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ નૂતન કેળવણી મંડળ હસ્તકની સંસ્થાઓમાં થયો હોવાથી, સંસ્થા માટે આ અવસર એક પારિવારિક ઉત્સવ સમાન બની રહ્યો છે. 

આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને શ્રી મનસુખભાઈ સલ્લા ઉપસ્થિત રહેશે. અતિથિ વિશેષ તરીકે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા,શ્રી જયંતીભાઈ અંધારિયા, શ્રી હરેશભાઈ મહેતા અને  હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે.

નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન કામદાર/ઘેલાણી, ઉપપ્રમુખ કનુભાઈ ગેડિયા અને મેનેજિંગ ટ્રસ્ટી  મુકુન્દભાઈ એચ. નાગ્રેચા સમેત સમસ્ત ટ્રસ્ટીગણ અને શાળા-કોલેજ પરિવાર દ્વારા તમામ સાહિત્યપ્રેમીઓ અને નગરજનોને આ મંગળ પ્રસંગે ઉપસ્થિત રહેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે સ્વરૂચી ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવેલ છે.

Related Posts