ભાવનગર

કાળીયાર અને વાઈલ્ડ લાઈફ એનિમલ માટે 19 જેટલી પાણીની કુંડીઓની અલાયદી વ્યવસ્થા કરાઈ

ભાવનગર જિલ્લામાં આવેલ વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન આપણાં સૌનું નજરાણું છે ત્યારે
ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં કાળીયાર સહિત વરુ, ઝરખ, નીલગાય તેમજ દેશ વિદેશનાં વિવિધ
જાતિના પક્ષીઓ તરસ છીપાવી શકે તે માટે વન વિભાગ દ્વારા નર્મદાના નીરની વિશેષ વ્યવસ્થા કરવામાં
આવી છે.
વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વન સંરક્ષક શ્રી નિલેશ એન. જોષીના નેતૃત્વ અને
માર્ગદર્શનમાં વન વિભાગની ટીમે વેટલેન્ડ વિસ્તારમાં અબોલ જીવો માટે સ્નેહની સરવાણી વહાવીને
પીવાના પાણીની સુંદર વ્યવસ્થા કરી છે. બીજી રીતે એમ પણ કહી‌ શકાય કે, વન વિભાગે પોતાની ફરજની
સાથે કાળીયાર સહિતના અબોલ જીવો પ્રત્યેની સંવેદનાને ખરા અર્થમાં વાચા આપી છે.
ધીમે પગલે ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે, એની સાથે સાથે ગરમી પણ વધી રહી છે. ધોમ‌
ધખતા તાપમાં માણસ તો પોતાની રીતે વ્યવસ્થા કરી લે, માણસો માટે તો ઠેર ઠેર પીવાના પાણીની
પરબોની સાથે છાસ અને અન્ય સુવિધાઓ પણ કરવામાં આવતી હોય છે, પરંતુ જંગલમાં વસતા અબોલ
જીવો માટે શું ? બસ આ જ સંવેદના સાથે વેળાવદર વન વિભાગની ટીમ કામ કરી રહી છે.

ભાવનગર જિલ્લામાં આવેલ વેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાનના મદદનીશ વન સંરક્ષક શ્રી
નિલેશ એન. જોષીએ જણાવ્યું કે, આ વેટલેન્ડ વિસ્તારમાં પાંચ હજારથી વધુ કાળીયાર વસવાટ કરે છે, આ
ઉપરાંત આ ઉદ્યાનના અનેક પક્ષીઓ મહેમાન બન્યાં છે, ત્યારે તેમને કોઈ અગવડતા ન પડે તેની સવિશેષ
કાળજી અમારી વન વિભાગની ટીમ દ્વારા લેવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, ઉનાળામાં કાળીયાર સહિતના તમામ પ્રાણીઓ અને પક્ષીઓને પીવાના પાણીની
મુશ્કેલી ન પડે તે માટે આ વેટલેન્ડ વિસ્તારમાં ૧૯ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. અને તે તમામને
નર્મદાના નીરથી ભરવામાં આવ્યા છે. આ ઉદ્યાનમાં કાળીયાર સહિતના અબોલ પશુઓ પોતાની તરસ‌
છીપાવી શકે તે માટે રકાબી આકારની-૧૧ કુંડીઓ, અવેડા આકારની-૦૩, ચંદ્ર આકારની-૦૧, કમળ
આકારની-૦૧ અને આર.સી.સી. આકારની-૦૩  કુંડીઓ બનાવી તેને પાણીથી ભરીને સુદ્રઢ વ્યવસ્થા
કરવામાં આવી છે જેથી પ્રાણીઓને ઉનાળો આકરો ન લાગે….

Follow Me:

Related Posts