કાયદો તથા ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલીની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે સ્કિલ એકસ્પોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ એકસ્પોનો ઉદ્દેશ આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓમાં ઉદ્યોગોની જરૂરિયાત અનુસાર કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો.
અમરેલી ITI ખાતે યોજાયેલા આ સ્કિલ એકસ્પોમાં સંસ્થાના જુદા જુદા ૨૨ ટ્રેડના વિદ્યાર્થીઓ દ્વારા ૮૦થી વધુ વર્કિંગ મોડલ તૈયાર કરી પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તાલીમાર્થીઓએ પોતાની ટેકનિકલ કુશળતા, નવીન વિચારો અને વ્યવહારુ જ્ઞાનનો સુંદર પરિચય આપ્યો હતો, જેને ઉપસ્થિત મહેમાનો અને પ્રાધ્યાપકોએ વખાણ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના પગલે દેશભરમાં ‘સ્કિલ ઇન્ડિયા’ મિશન અંતર્ગત યુવાનોને રોજગારલક્ષી કૌશલ્ય આપવામાં આવી રહ્યું છે.
આઇ.ટી.આઇ. જેવી સંસ્થાઓ યુવાનોને આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તાલીમાર્થીઓ ઉદ્યોગોની જરૂરિયાત મુજબ કૌશલ્ય મેળવીને સ્વરોજગાર કે રોજગારની તકો મેળવી શકે તે દિશામાં રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.
તેમણે યુવાનોને પ્રેરણા પુરી પાડતા વધુમાં જણાવ્યું હતું કે, યુવાનોમાં અપાર ક્ષમતા અને શક્તિ રહેલી છે. યુવાનોને યોગ્ય મંચ મળે તો તેઓ પોતાના કૌશલ્યનો પરિચય આપી શકે છે અને યોગ્ય મંચથી ઉજાગર કરી શકે છે. આ દેશના યુવાનો નિષ્ફળતાનો ડર મૂકી ઝંપલાવે તો સાત સમંદર પાર કરી શકે તેવું સામર્થ્ય ભરેલું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યુવાધનના કૌશલ્ય વિકાસ માટે અનેકિવધ કાર્યક્રમો આપવામાં આવ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના દરેક તાલીમાર્થી પોતાનામાં રહેલી શક્તિઓને ઉજાગર કરી અમરેલીના સર્વાંગી વિકાસ માટે યોગદાન આપે તેવી શુભેચ્છા પાઠવી હતી.
સ્કિલ એકસ્પો થકી તાલીમાર્થીઓને પોતાના જ્ઞાનને પ્રદર્શિત કરવાની સાથે નવીનતા અને વ્યવહારુ અભિગમ વિકસાવવાનો અવસર મળ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં અમરેલી ITIના અધિકારીશ્રીઓ, શિક્ષકગણ, તાલીમાર્થીઓ તેમજ વિવિધ મહાનુભાવોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ પ્રસંગે ઔદ્યોગિક તાલીમ સંસ્થાના તેજસ્વી વિદ્યાર્થીઓ શ્રી, અમિત સોલંકી, શ્રીહરદિપ મેર અને શ્રી વિવેક ચૌહાણનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે આઇ.ટી.આઇ અમરેલીના આચાર્યશ્રી ટી.એમ. ભટ્ટ દ્વારા પ્રાસંગિક ઉદ્ધોધન કરવામાં આવ્યું હતું અને મહાનુભાવોનો સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સુરેશભાઈ પાથર, જિલ્લાના વિવિધ આઇ.ટી.આઇના આચાર્યશ્રીઓ, શિક્ષકો, અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, શીતલ આઇસક્રીમના ઉદ્યોગપતિશ્રી દિનેશભાઈ ભુવા, એલ.એન્ડ.ટી ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિશ્રી પંકજભાઈ મિશ્રા, શ્રી ઉમેશભાઈ પાંડે, પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિશ્રી મોહિતભાઈ, શ્રીભાવેશભાઈ ભાલિયા ઉપસ્થિત રહ્યા હતા.
કાયદો–ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને અમરેલી ITI ખાતે સ્કિલ એકસ્પોનો ભવ્ય શુભારંભ


















Recent Comments