ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ એટલે તા. ૨૫ ડિસેમ્બરને દર વર્ષે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમના મતે લોકશાહી ત્યારે જ સાર્થક બને જ્યારે સામાન્ય માણસને વહીવટમાં ભાગીદારીનો અહેસાસ થાય. તેઓ હંમેશા કહેતા કે, જે શાસન પારદર્શી, જવાબદારીપૂર્ણ અને સંવેદનશીલ હોય તે જ સાચું ‘સુશાસન’ છે.
ભારત સરકાર દ્વારા ગ્રામીણ આબાદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમની મિલકતના અધિકારો પ્રદાન કરી શકાય અને ગ્રામ્ય ભારતમાં આર્થિક સશક્તિરણ તેજ ગતિથી આગળ ધપે તે ઉદ્દેશ સાથે વર્ષ ૨૦૨૦માં સ્વામિત્વ યોજનાને અમલી બનાવવામાં આવી હતી. આ યોજના ડ્રોન આધારિત સર્વેક્ષણનો ઉપયોગ કરીને ગ્રામીણ રહેણાંક જમીનની કાયદેસર માલિકી પ્રદાન કરે છે. મિલકત ધરાવનાર માલિકને માલિકી અધિકાર સ્વરૂપે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે, જે માલિકી હક્કનો કાયદેસરનો પુરાવો છે.
અમરેલી જિલ્લા નિરીક્ષક-જમીન દફ્તર શ્રી અશ્વિનસિંહ ઝાલાએ જણાવ્યું કે, સ્વામિત્વ યોજના અન્વયે ગ્રામીણ આબાદી વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમની મિલકતનો અધિકાર મળે છે. જિલ્લામાં ૫૮૯ ગામોમાં ડ્રોન ફ્લાઇટ પૂર્ણ કરવામાં આવી છે. કુલ ૬,૭૬૦ પ્રોપર્ટી કાર્ડ (મિલકત અધિકાર કાર્ડ)નું વિતરણ પૂર્ણ કરવામાં આવ્યું છે. બાકીની કામગીરી પ્રગતિતળે છે. તેમણે ઉમેર્યું કે, મિલકત અધિકાર થકી ગ્રામ્યકક્ષાએ આર્થિક પરિવર્તનને વેગ મળશે.
અમરેલીના દેવરાજીયા ગામના રહીશ શ્રી હરદીપભાઈ બસિયાએ જણાવ્યું કે, સ્વામિત્વ યોજનાનો લાભ લેવા માટે મેં અરજી પ્રક્રિયા કરી હતી. મને મારી મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મળતા મકાન માલિકીનો હક મળ્યો છે. તેમણે પ્રોપર્ટી કાર્ડ-મિલકત અધિકાર આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
“સ્વામિત્વ યોજના” માત્ર જમીનની માપણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વર્ષ ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ના નિર્માણનો મજબૂત પાયો છે. નજીકના ભવિષ્યમાં આ યોજના ગ્રામીણ અર્થતંત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે, જ્યાં દરેક ગ્રામીણ નાગરિક પાસે પોતાની મિલકતનું ડિજિટલ અને કાયદેસરનું પ્રમાણ હશે. આ વિઝન થકી ભારતનો આત્મા એવા ગામડાઓ ‘આત્મનિર્ભર’ બનશે; ગ્રામીણ સંપત્તિનો ઉપયોગ બેંકોમાંથી લોન મેળવવા અને નવા વ્યવસાયો શરૂ કરવા માટે મૂડી નિર્માણ તરીકે થઈ શકશે.


















Recent Comments