રાષ્ટ્રીય

સ્પેસએક્સે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન ૯ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું

ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સે ફરી એલવાર મોટું મિશન હાથ ધર્યું હતું જેમાં શનિવારે રાત્રે ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન ૯ રોકેટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કર્યું હતું. તેના કારણે પૂર્ણિમાની રાત્રે આકાશમાં અદભૂત દ્રશ્ય સર્જાયું હતું.
આ મિશનમાં ફાલ્કન ૯એ કુલ ૨૧ સ્ટારલિંક સેટેલાઈટ્સને પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં મૂક્યા હતા. તેમાંથી ૧૩ ઉપગ્રહો ડાયરેક્ટ યુ સેલ ટેકનોલોજીથી સજ્જ છે. આ ટેકનોલોજી મોબાઈલ ટાવરની જરૂરિયાત વિના મોબાઈલ ફોન સાથે સેટેલાઈટની કનેક્ટિવિટી શક્ય બનાવશે. તેના કારણે નેટવર્ક વિનાના વિસ્તારોમાં મોબાઈલ સિગ્નલ મળી રહેશે.
મહત્વનું છે કે, ડાયરેક્ટ-ટુ-સેલ સુવિધા યુએસમાં ટી-મોબાઈલ સાથે પાર્ટનરશિપમાં શરૂ કરવામાં આવશે. તેનો ઉદ્દેશ સમુદ્ર, પર્વતો અને અન્ય દૂરના વિસ્તારોમાં નેટવર્ક પૂરું પાડવાનો છે. આ લોન્ચિંગ સ્પેસએક્સ માટે ઐતિહાસિક હતું કારણ કે, તે કંપનીની અત્યાર સુધીની ૪૦૦મી ફ્લાઈટ હતી. આ ૨૦૨૫માં ૪૨મું ફાલ્કન-૯ લોન્ચ હતું. જેમાંથી ૨૮ સ્ટારલિંક મિશન હતા. લોન્ચ થયાના લગભગ ૨. ૫ મિનિટ બાદ બૂસ્ટર પૃથ્વી પર પરત ફર્યું હતું. તે એટલાન્ટિક મહાસાગરમાં ‘અ શોર્ટફોલ ઓફ ગ્રેવિટાસ‘ નામના ડ્રોનશિપ પર સુરક્ષિત રીતે ઉતર્યું હતું. ફાલ્કન-૯એ એક કલાકના સમયગાળામાં ૨૧ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં સ્થાપિત કર્યા હતા. હવે તેમની ઓપરેશનલ ઓર્બિટમાં જઈને સ્ટારલિંકના ૭,૦૦૦થી વધુ ઉપગ્રહોના નેટવર્કને મજબૂત બનાવશે.

Related Posts