હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે મહાયજ્ઞ દરમિયાન પથ્થરમારો અને ગોળીબાર; અનેક લોકો ઘાયલ

હરિયાણાના કુરુક્ષેત્ર ખાતે કેશવ પાર્કમાં ચાલી રહેલા ૧૦૦૦ કુંડી યજ્ઞ વચ્ચે બબાલ થઈ હતી જેમાં યજ્ઞ કાર્યક્રમના આયોજક સ્વામી હરિ ઓમ દાસના અંગત સુરક્ષા કર્મચારીઓ પર ત્રણ લોકોને ગોળી મારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગોળીથી ઈજાગ્રસ્ત થયેલા ત્રણ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાની માહિતી મળી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે મહાયજ્ઞમાં હાજરી આપવા આવેલા કેટલાક યુવાનોએ વાસી ખોરાક પીરસવામાં આવતો હોવાની ફરિયાદ કરી હતી, જેના પછી વિવાદ થયો હતો. આ ઝઘડા દરમિયાન મહાયજ્ઞના આયોજક હરિ ઓમ દાસના સુરક્ષા કર્મચારીએ ફાયરિંગ કરી દીધુ હતું, જેમાં ત્રણ યુવાનો ઘાયલ થઈ ગયા છે.
આ મહાયજ્ઞની શરૂઆત ૧૮ માર્ચથી થઈ હતી અને તે ૨૭ માર્ચ સુધી ચાલુ રહેશે. તેના માટે ૧૦૦૮ કુંડી યજ્ઞશાળાઓ બનાવવામાં આવી હતી. મહાયજ્ઞમાં દરરોજ ૧,૦૦,૦૦૦ આહૂતિ આપવામાં આવી રહી હતી. આ આયોજનનો સૂત્રધાર હરિ ઓમ દાસ છે, જે યજ્ઞ સમ્રાટના નામથી ઓળખાય છે. અત્યાર સુધીમાં તેમણે દેશભરના ૨૪ રાજ્યોમાં ૧૦૧ મહાયજ્ઞોનું આયોજન કરાવ્યું છે. તેમનો સંકલ્પ છે સમગ્ર ભારતવર્ષમાં ૧૦૮ મહાયજ્ઞ કરાવવાનો છે. કુરુક્ષેત્રમાં ૧૮ માર્ચથી શરૂ થયેલો મહાયજ્ઞ આ પ્રકારનો ૧૦૨મો મહાયજ્ઞ છે. આ મહાયજ્ઞમાં ભાજપના પ્રદેશ પ્રમુખ મોહનલાલ બડોલી, મુખ્યમંત્રીના પત્ની સુમન સૈની અને પૂર્વ રાજ્યમંત્રી સુભાષ સુધા જેવા ઘણા મોટા નેતાઓ સામેલ થઈ ચૂક્યા છે.
આ ઘટનામાં આશિષ તિવારી નામના યુવકને ગંભીર હાલતમાં લોકનાયક જયપ્રકાશ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટનાથી રોષે ભરાયેલા એક વિશેષ જાતિના લોકોએ મહાયજ્ઞ સ્થળની બહાર કુરુક્ષેત્ર-કૈથલ રોડ બ્લોક કરી દીધો છે અને પથ્થરમારો કર્યો છે. પ્રદર્શનકારીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે કડકાઈ દાખવી અને જામ ખોલવાનો પ્રયાસ કર્યો. હાલમાં ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિને કાબુમાં લઈ લીધી છે. જાેકે, વાતાવરણ હજુ પણ તંગ છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરી છે અને આ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
Recent Comments