અમરેલી શહેરના પ્રત્યેક નાગરિકને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે અમરેલી નગરપાલિકા તથા સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે મહી-પરીએજ યોજના, વડી ડેમ તેમજ ઠેબી ડેમ આધારિત પાણી વિતરણનું સુદ્રઢ આયોજન કરવામાં આવેલ છે. અમરેલી નગરપાલિકા દ્વારા ખૂબ જ મોટા પરિશ્રમથી પ્રત્યેક ઘર સુધી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે, જેની સામે નગરપાલિકાના પ્રવર્તમાન ‘વોટર બાય-લોઝ’ અનુસાર પાણીનો આડેધડ વેડફાટ કરવો એ કાનૂની રીતે ગંભીર અને દંડનીય ગુનો બને છે. છેલ્લા કેટલાક સમયથી અમરેલી નગરપાલિકાના ધ્યાને આવ્યું છે કે, શહેરના કેટલાક વિસ્તારોમાં નાગરિકો દ્વારા પીવાના કિંમતી પાણીનો અત્યંત બેદરકારીપૂર્વક બગાડ કરવામાં આવી રહ્યો છે. પાણી વિતરણના સમયે નળ ખુલ્લા છોડી દેવા, ડાયરેક્ટ નળી લગાવીને ઘર આંગણા, મકાનની દીવાલો કે જાહેર રોડ ધોવા, ફોર-વ્હીલર કે ટુ-વ્હીલર વાહનો ધોવા તેમજ ઘર અને એપાર્ટમેન્ટની પાણીની ટાંકીઓ ઓવરફ્લો થવા દેવી જેવી પ્રવૃત્તિઓ મારફત હજારો લીટર શુદ્ધ પાણી ગટરોમાં વહેવડાવી દેવામાં આવે છે, જે ‘વોટર બાય-લોઝ’ની વિવિધ કલમો હેઠળ સરકારી સંપત્તિના નુકસાન અને ગુનાહિત બેદરકારીની શ્રેણીમાં આવે છે.
આથી, અમરેલી નગરપાલિકા દ્વારા આ પ્રકારે પાણીનો બગાડ કરતાં તમામ નગરજનોને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવે છે કે પીવાના પાણીનો ઉપયોગ માત્ર અને માત્ર ઘરવપરાશ તથા પીવા માટે જ મર્યાદિત રાખવો. વાહનો અને આંગણા ધોવા કે રસ્તા પર પાણી છાંટવા માટે ડાયરેક્ટ પાઈપલાઈનનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે છે, તેમજ પાણીના ટાંકા ભરાઈ જાય એટલે ઓવરફ્લો અટકાવવા માટે તમામ મિલકતધારકોએ ‘ઓટો-કટ વાલ્વ સિસ્ટમ’ લગાવવા અનુરોધ કરવામાં આવે છે, અને ખાનગી નળ કનેક્શનના લીકેજ તાત્કાલિક પોતાના ખર્ચે રીપેર કરાવવાના રહેશે. નગરપાલિકાના સેનિટરી અને ટેકનિકલ સ્ટાફની ટિમ દ્વારા હવેથી શહેરમાં પાણી વિતરણના સમયે જ શહેરમાં સઘન આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે. જો કોઈ પણ મિલકતધારક કાયદાનું ઉલ્લંઘન કરીને પાણીનો વેડફાટ કરતા પકડાશે, અને આ ચેકિંગ ટિમ સાથે ગેર વ્યવહાર કરતાં જણાશે તો ‘વોટર બાય-લોઝ’ની જોગવાઈઓ અનુસાર તેમની સામે સ્થળ પર જ ભારે આર્થિક દંડ ફટકારવામાં આવશે.
આ ઉપરાંત, વારંવાર નિયમભંગ કરનાર ગ્રાહકોનું પાણીનું જોડાણ (નળ કનેક્શન) કોઈપણ પૂર્વ સૂચના વગર કાયમી ધોરણે કાપી નાખવામાં આવશે અને જરૂર જણાયે કાનૂની કલમો હેઠળ ફોજદારી કાર્યવાહી પણ હાથ ધરાશે, આમ, જળ એ જ જીવન છે અને આપણી આજની નાની સરખી બેદરકારી ભવિષ્યમાં સમગ્ર અમરેલી શહેર માટે મોટી જળ-કટોકટી સર્જી શકે છે, જેથી અમરેલીને શહેરને પાણીની તંગીથી બચાવવા માટે એક જવાબદાર નાગરિક તરીકે નગરપાલિકાના આ કડક કાનૂની અભિગમમાં સંપૂર્ણ સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.















Recent Comments