અમરેલી

ગીર જંગલમાં તૃષાતુર વન્યપ્રાણીઓ માટે મીઠી વીરડી – પીવાના પાણીના પોઇન્ટ

ગીર જંગલમાં તૃષાતુર વન્ય પ્રાણીઓ માટે મીઠી વીરડી સમાન બન્યાં છે પીવાના પાણીના કૃત્રિમ પોઇન્ટ. ગીર પૂર્વમાં પીવાના પાણીના કૃત્રિમ ૨૪૭ પોઈન્ટ દ્વારા સિંહ સહિતના વન્ય પ્રાણીઓ પોતાની તરસ છીપાવી રહ્યા છે. પ્રાણીઓને પાણી માટે મુશ્કેલીનું નિવારણ થાય તે માટે અમરેલી જિલ્લાના ધારી વન વિભાગ (પૂર્વ) દ્વારા આગવી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ સંદર્ભે વધુ જાણકારી આપતા ઇન્ચાર્જ મદદનીશ વન સંરક્ષક શ્રી પી.એમ. ચાંદુ કહે છે કે, ઉનાળાના સમય દરમિયાન પીવાના પાણીના મોટાભાગના કુદરતી જળ સ્ત્રોતો સુકાઈ જવાથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની ખાસ વ્યવસ્થા થાય તે માટે વન વિભાગ સતત કાર્યરત રહે છે. ગીર પૂર્વ વન વિસ્તારમાં રકાબી આકારના ૨૪૭ જેટલા પીવાના પાણીના પોઇન્ટના નિર્માણ કરવામાં આવ્યું, જેના થકી વન્ય પ્રાણીઓ ભારે ગરમીમાં પોતાની તરસ છીપાવી રહ્યાં છે.

વન્ય પ્રાણીઓમાં કેલ્શિયમની ઉણપના સર્જાય તે માટે પીવાના પાણીના આ કૃત્રિમ પોઇન્ટ પાસે મીઠાની ઈંટ પણ ખાસ રાખવામાં આવે છે. જ્યારે વન્ય પ્રાણીઓ પાણી પીવા માટે આવે ત્યારે આ ખાસ ઈંટને ચાંટે છે તે તેમને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી રહે છે.

તેમણે ઉમેર્યુ કે, ધારી વન વિભાગ નાયબ સંરક્ષક શ્રી વિકાસ યાદવના માર્ગદર્શનમાં વન વિભાગના સ્ટાફ દ્વારા ભારે ગરમી વચ્ચે પણ વન્ય પ્રાણીઓની દેખભાળ માટે ટીમવર્ક દ્વારા વિવિધ કાર્યવાહી શરુ રાખવામાં આવી રહી છે. ટેન્કર, સોલાર લાઈટ, ડિઝલ એન્જિન, ગઝલર જેવા વિવિધ પાણીના સ્ત્રોતો અને સાધનોના ઉપયોગ થકી વનકર્મીઓ દ્વારા વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીના આ કૃત્રિમ પોઇન્ટ પાણીથી ભરી દેવામાં આવે છે. આ પ્રવૃત્તિનું સતત મોનિટરિંગ પણ અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કૃત્રિમ પીવાના પાણીના પોઇન્ટ ભરાઈ ગયા બાદ પણ તેને પાણીથી થોડી માત્રામાં છલકાવી દેવામાં આવે છે, જેથી કરીને આ પોઇન્ટ અને તેની આસપાસના વિસ્તારમાં ઠંડક પ્રસરેલી રહે અને વન્ય પ્રાણીઓને ગરમીથી રાહત પણ મળતી રહે.

આ ઉપરાંત પતંગિયા કીટકો માટે પીવાના પાણીના પોઇન્ટ પાસે શણનો ભીના કોથળા રાખવામાં આવે છે, જેથી તેમને ઠંકડવાળું યોગ્ય વાતાવરણ મળી રહે. પીવાના પાણીના કૃત્રિમ પોઈન્ટમાં શેવાળ ન જામે તે માટે સમયાંતરે ખાસ જરુરી સફાઈ કરવામાં આવે છે. પીવાના પાણીના પોઇન્ટ પાસે રેતી વગેરે નાંખવામાં આવે છે, જેથી વન્ય પ્રાણીઓ બેસવામાં પણ અનુકૂળતા રહે છે.

ઉલ્લેખનીય છે કે, એશિયાટિક લાયનના પર્યાય રહેલા ગીર જંગલમાં ૪૧ સસ્તન, ૪૭ સરિસૃપ, ૩૦૦ થી વધુ નિવાસી અને યાયાવર પક્ષોઓની પ્રજાતિઓ જોવા મળે છે,  ઉપરાંત વનસ્પતિની સમૃદ્ધ વિવિધતા તથા વન્યસૃષ્ટિ ગીરને આગવું અને અનન્ય નિવાસસ્થાન બનાવે છે.

Related Posts