ગયા જે છોડી દુનિયાને,
એમની યાદ બાકી છે,
અસ્થિમાં શ્રદ્ધા જોડીને, પુણ્યની પ્રીત બાકી છે.
સ્વખર્ચે ગંગાના તટે,
જે મોક્ષનો મારગ બનાવે,
એવા વીર સેવકોની જગમાં, અનોખી રીત બાકી છે.
–“પાંધી સર”
વર્તમાન સમયમાં જ્યારે લોકો પાસે જીવિત વ્યક્તિઓ માટે સમય નથી, ત્યારે સાવરકુંડલાના ‘સાઈ શક્તિ સેવા ટ્રસ્ટ’ના યુવાનોએ મૃત્યુ પામેલા અજાણ્યા લોકોના કલ્યાણ માટે સેવાનો અનોખો માર્ગ પ્રશસ્ત કર્યો છે. છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત આ ‘અસ્થિ બેંક’ આજે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે આશીર્વાદરૂપ બની છે.
ઘણીવાર આર્થિક તંગી અથવા કૌટુંબિક મર્યાદાઓને કારણે પરિવારો પોતાના સ્વજનના અસ્થિ (ફૂલ) હરિદ્વાર લઈ જઈ શકતા નથી. આવા અસ્થિઓને સાવર અને કુંડલાના સ્મશાનગૃહમાંથી સંપૂર્ણ શાસ્ત્રોક્ત મર્યાદા સાથે એકત્ર કરી તેને ‘અસ્થિ બેંક’માં સાચવવામાં આવે છે.
આ સંસ્થાના પાયાના સેવકો દીપકભાઈ ગોહિલ, હિતેશભાઈ ત્રિવેદી, કૃણાલભાઈ ચૌહાણ, ભુપતભાઈ મકવાણા, ગુણવંતભાઈ આંબલીયા અને અનિલ દાદા ખીરા વર્ષમાં બે વાર કોઈ પણ પ્રકારના દાન કે ફાળા વગર, પોતાના અંગત ખર્ચે હરિદ્વાર પહોંચે છે. ગંગાજીના તટ પર વિધિવત પૂજન-અર્ચન બાદ આ અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે. સાવરકુંડલાના આ સેવાભાવી યુવાનોની નિઃસ્વાર્થ ભાવનાએ આજે સમગ્ર ગુજરાતમાં માનવતાની મહેક ફેલાવી છે.















Recent Comments