કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે આજે શનિવારે (18 ઓક્ટોબર) ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટ્રેડ ડીલને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ‘ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આગળ વધી રહી છે. ભારત ખેડૂતો, માછીમારો અને MSMEના હિતોનું રક્ષણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.’પત્રકાર પરિષદમાં ગોયલે જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી આપણે ભારતના ખેડૂતો, માછીમારો, ભારતના માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ(MSME) ક્ષેત્રના હિતોનું સંપૂર્ણ ધ્યાન ન રાખીએ ત્યાં સુધી કોઈ સમાધાન થઈ શકે નહીં. જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે હાલ વાતચીત ચાલી રહી છે.’ વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં ભારતીય અધિકારીઓની ટીમ આ અઠવાડિયામાં અમેરિકાના પોતાના સમકક્ષો સાથે વેપાર વાટાઘાટો કરવા માટે વોશિંગ્ટનમાં હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં, ભારત અને અમેરિકાના નેતાઓએ અધિકારીઓને પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર વાટાઘાટો આગળ વધારવા જણાવ્યું હતું.
તેમણે કરારના પ્રથમ તબક્કાને ઓક્ટોબર-નવેમ્બર 2025 સુધીમાં પૂર્ણ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે. અત્યારસુધીમાં વાટાઘાટોના પાંચ રાઉન્ડ પૂર્ણ થયા છે. ગયા મહિને, ગોયલે વેપાર વાટાઘાટો માટે એક સત્તાવાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ન્યૂયોર્ક કર્યું હતું.ગોયલે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, યુએસ ટેરિફને કારણે વૈશ્વિક પડકારો છતાં ભારતની નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળશે. તેમણે કહ્યું કે, આ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના (એપ્રિલ-સપ્ટેમ્બર) દરમિયાન દેશની માલ અને સેવાઓની નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ છે.
ચાલુ નાણાકીય વર્ષ 2025-26ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન, તે લગભગ પાંચ ટકા વધીને 413.3 અરબ ડોલર થયું. આ સમયગાળા દરમિયાન ભારતની વસ્તુની નિકાસ પણ ત્રણ ટકા વધીને 220.12 અરબ ડોલર થઈ છે. તેમણે કહ્યું કે, ‘વિશ્વભરમાં આપણા માલ અને સેવાઓની માગ છે, અને ભારત આ વિકાસ માર્ગ પર આગળ વધશે, અને અમને વિશ્વાસ છે કે 2025-26 માં દેશની નિકાસમાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળશે.’ગોયલે એમ પણ કહ્યું કે, ‘GST સુધારાઓ અર્થતંત્રને વેગ આપશે અને વૈશ્વિક પડકારોની અસરને પહોંચી વળવામાં મદદ કરશે. GST ઘટાડાની જાહેરાત થતાં જ રોકાણકારોને તરત જ ખ્યાલ આવી ગયો કે, આ એક મોટો ફાયદો છે. માગમાં મોટો વધારો થશે. સામાન્ય રીતે બધી કંપનીઓએ લાભો આપ્યા છે અને રોકડ બોનસ અને ડિસ્કાઉન્ટની પણ જાહેરાત કરી છે.’
Recent Comments