ગુજરાત

તાના-રીરી મહોત્સવનો આવતીકાલથી વડનગરમાં શુભારંભ, બે દિવસીય કાર્યક્રમમાં કલાકારોની જમાવટ

ગુજરાતના સંગીત ઇતિહાસમાં અમર બનેલી બહેનો તાના અને રીરીની સ્મૃતિમાં મહેસાણા જિલ્લાના વડનગર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ બે દિવસીય તાના-રીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવનો શુભારંભ આવતીકાલે (22 નવેમ્બર) મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે.આ મહોત્સવમાં દેશના સુપ્રસિદ્ધ કલાકારો શાસ્ત્રીય સંગીત, વાદન અને લોકસંગીતની પ્રસ્તુતિ કરીને વડનગરની ઐતિહાસિક સંગીત પરંપરાને જીવંત રાખશે.સંગીત કલાને બિરદાવતા ‘તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ’ની આ વર્ષે સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયિકા સુશ્રી કલાપિની કોમકલીને પ્રદાન કરવામાં આવશે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 2010માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી.22 અને 23 નવેમ્બરના બે દિવસીય કાર્યક્રમમાં સાંજના સમયે વિવિધ સંગીત પ્રસ્તુતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રથમ દિવસ 22 નવેમ્બર, કલાકાર અને તેમની પ્રસ્તુતિ

કલાપિની કોમકલી, શાસ્ત્રીય ગાયન

નિલાદ્રી કુમાર, શાસ્ત્રીય વાદન

ઇશાની દવે, લોકસંગીત

બીજો દિવસ 23 નવેમ્બર, કલાકાર અને તેમની પ્રસ્તુતિ

ડૉ. સુભદ્રા દેસાઇ, શાસ્ત્રીય ગાયન

નિનદ અધિકારી અને ટીમ, શાસ્ત્રીય વાદન

પાર્થ ઓઝા અને ટીમ, લોકસંગીત

તાના અને રીરી એ ભક્ત કવિ નરસિંહ મહેતાની દોહિત્રી શર્મિષ્ઠાની પુત્રીઓ હતી. તેમની સંગીત પ્રત્યેની નિષ્ઠાએ તેમને ગુજરાતના ઇતિહાસમાં અમર બનાવી દીધી.

લોકવાયકા મુજબ, સંગીત સમ્રાટ તાનસેને જ્યારે દીપક રાગ ગાયો, ત્યારે તેમના શરીરમાં દાહ (બળતરા) ઉત્પન્ન થયો હતો. આ દાહને શાંત કરવા માટે માત્ર મલ્હાર રાગ જ અસરકારક હતો. તાનસેનની પીડા જોઈને તાના અને રીરીએ મલ્હાર રાગ ગાઈને તેમને રાહત આપી હતી. પોતાની સંગીત કલાના સન્માન ખાતર આ બંને બહેનોએ આત્મબલિદાન આપ્યું હતું. આ સંગીતની કલાધારિણી બહેનોના સન્માનમાં વડનગરના તાના-રીરી સમાધિ સ્થળ ખાતે વર્ષ 2003થી દર વર્ષે આ મહોત્સવ યોજાય છે.રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તક સંગીત નાટક અકાદમી દ્વારા આ સંગીત સમ્રાજ્ઞીઓની યાદમાં આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ સાંસ્કૃતિક મહોત્સવમાં ગુજરાતભરમાંથી અને અન્ય રાજ્યોમાંથી પણ સંગીત રસિકો મોટી સંખ્યામાં ભાગ લેવા માટે વડનગર ખાતે ઉમટી પડશે. આ કાર્યક્રમ વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.

Related Posts