ભાવનગર

ભાવનગર જિલ્લાના ટીંબી મુકામે નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માં પૂજ્ય સ્વામીજી નો આઠમો નિર્વાણ તિથિ મહોત્સવ ભવ્યતાથી ઉજવાયો

શરીરમાં રહીને જનકલ્યાણનાં ભગીરથ કાર્યો કરી જનાર મહાપુરુષો શરીર છોડયા પછી પણ પોતાની દિવ્યશક્તિઓ દ્વારા સમાજનાં ઉત્થાન અને કલ્યાણનાં કાર્યો કરતા હોય છે. ભાવનગર જિલ્લાનાં ટીંબી મુકામે આવેલી સ્વામીશ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ એ પૂજ્ય સ્વામીજીની દિવ્ય ચૈતન્યશક્તિ વડે દર્દીનારાયણની નિઃશુલ્ક આરોગ્યસેવા કરી રહેલ એક અદ્વિતીય સેવા સંકુલ છે. પૂજ્ય સ્વામીજીએ જ્યાં પોતાના જીવનનાં અંતિમ શ્વાસ લઈને મહાપ્રસ્થાન કરેલું એવી આ ટીંબી હોસ્પિટલનાં આંગણે પૂજ્ય સ્વામીજીનાં જીવનકાર્યો અને જીવન – પ્રસંગોનું સંસ્મરણ, ગુરૂપુજન તથા શ્રધ્ધાંજલિ અર્પણ કરવારૂપે ગત તા.24-11-2025 ને સોમવારનાં રોજ પૂજ્ય સ્વામીજીના આઠમા નિર્વાણતિથિ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહોત્સવની પાવન પ્રભાતમાં ગુરુવંદના તથા ગુરૂપુજન અને મહાઆરતી દ્વારા કાર્યક્રમનો શુભારંભ થયા બાદ પૂજ્યપાદ સ્વામી શ્રી ભોલાનંદ સરસ્વતીજી મહારાજ અને સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજે ગુરુ ભક્તિમય તથા પરોપકાર માટે પ્રેરણાદાયી પ્રવચન આપીને શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ મહાનુભાવોનું સન્માન અને વક્તવ્યો થયા પછી કાર્યક્રમનાં સમાપન બાદ 4500 જેટલા ધર્મપ્રેમી ભાઈઓ બહેનોએ સાથે મળીને પૂજ્ય સ્વામીજીનો પવિત્ર ભોજન – મહાપ્રસાદ લીધો હતો.
આ મહોત્સવનાં અનુસંધાને પૂજ્ય સ્વામીજીની તપોભૂમિ એવા સાવરકુંડલાનાં આશ્રમેથી પૂજ્ય સ્વામીજીનાં ચરણોમાં અનન્ય શ્રદ્ધાભાવ રાખનાર વિશાળ સેવક સમુદાય દ્વારા આયોજિત કરવામાં આવેલ ત્રિદિવસીય પદયાત્રા સંઘ તા.23.11.2025 ને રવિવારના રોજ બપોરે 11.30 ટીંબી હોસ્પિટલના આંગણે પધાર્યા બાદ પૂજ્ય સ્વામીજીએ સર્વે પદયાત્રીઓને આશીર્વચન પાઠવ્યા હતા ત્યારબાદ સર્વે પદયાત્રીઓ અને હોસ્પિટલના તમામ કર્મચારી સ્ટાફગણને સ્વામીજીનાં વરદહસ્તે પ્રસાદરૂપે ગરમ બ્લેન્કેટ વિતરિત કરવામાં આવ્યા હતા.
ટીંબી ગામ સમસ્ત સત્સંગ મંડળ દ્વારા આયોજિત આ મહોત્સવ ખૂબ જ અકલ્પનીય રીતે આનંદોત્સાહ પૂર્વક સંપન્ન થયો હતો.  તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.

Related Posts