ગુજરાતમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) સંબંધિત કામગીરીના વધુ પડતાં ભારણના પગલે BLO તરીકે કાર્યરત શિક્ષકોના આપઘાત અને હાર્ટ એટેક આવવાની ઘટના સામે આવી રહી છે. રાજ્યમાં SIRની કામગીરીના કારણે ત્રણ શિક્ષકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ચૂંટણીલક્ષી કામગીરીના પગલે શિક્ષકોમાં માનસિક તણાવ વધ્યો હોવાનું જણાય છે. આ દરમિયાન BLO તરીકે કામ કરતાં દાહોદ જિલ્લાના ઝાલોદના શિક્ષકની તબિયત અચાનક લથડી હતી, જેને લઈને ગ્રામજનો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે શિક્ષકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ઝાલોદ તાલુકાના સાદેડા વર્ગ પ્રાથમિક શાળાના બચુભાઈ ડામોર નામના શિક્ષકને BLOની કામગીરી દરમિયાન અચાનક તબિયત લથડી હોવાથી તાત્કાલિક સારવાર માટે દાહોદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જાણવા મળ્યું હતું કે, SIR અને BLO સબંધિત કામગીરીને લઈને શિક્ષક છેલ્લા 4-5 દિવસથી કામના દબાણ અને વધતી જવાબદારીના કારણે વ્યસ્ત હતા. જેમાં શારીરિક અને માનસિક થાક અને કામના વધુ પડતાં ભારણના કારણે શિક્ષકની તબિયત લથડી હતી. હાલ શિક્ષક બચુભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જણાય છે. શિક્ષકના આપઘાત અને મોતની ઘટનાને લઈને રાજ્યની શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. શિક્ષકોને ભણાવવાને બદલે સતત બિન-શૈક્ષણિક કામગીરી, ખાસ કરીને BLOની કામગીરીમાં જોતરી દેવાતા શિક્ષણ કાર્ય પર માઠી અસર પડી રહી છે. હાલની સ્થિતિ એવી છે કે, ‘બાળકો શિક્ષકોને શોધે છે, શિક્ષકો મતદાતાને શોધે છે અને મતદારો મતદારયાદીમાં નામ શોધે છે.’આ એક સપ્તાહમાં રાજ્યમાં ચૂંટણીલક્ષી કામગીરીના ભારણ સંબંધિત આ ત્રીજી ઘટના છે, જેના કારણે રાજ્યના શિક્ષણ બેડામાં ભય અને ફફડાટ વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે કે, આ ઘટના પહેલાં ગીર સોમનાથના કોડીનારમાં પણ ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે એક શિક્ષકે આપઘાત કરી લીધો હતો. તે અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું પણ BLO કામગીરી દરમિયાન જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.





















Recent Comments