ગુજરાત

ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રની સગવડોથી પરિક્રમાર્થીઓની સંખ્યા વધી, ગત વર્ષની સરખામણીએ અંદાજે ૪ ગણા વધુ પરિક્રમાર્થીઓ ઉમટ્યા

ગુજરાતમાં દર વર્ષે ફાગણ વદ અમાસથી ચૈત્ર વદ અમાસ એટલે કે એક મહિના માટે યોજાતી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા તાજેતરમાં જ સંપન્ન થઈ છે. નર્મદા જિલ્લામાં આ પરિક્રમા ગત ૨૯ માર્ચ, ૨૦૨૫ના રોજ શરૂ થઈ હતી અને તાજેતરમાં ૨૭ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પૂર્ણ થઈ છે. આ વર્ષે ૯ લાખ ૯ હજાર ૯૦૦ જેટલા શ્રદ્ધાળુઓએ ૧૫ કિલોમીટરની આ પરિક્રમા કરી હતી.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને આગળ ધપાવતાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના પ્રવાસન અને તીર્થસ્થળોએ શ્રદ્ધાળુઓને દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમાની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ પોતે આ પરિક્રમા શરૂ થયાના ૮મા જ દિવસે એટલે કે ૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ પરિક્રમા માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓનું જાતે નિરીક્ષણ કર્યું અને ‘આપકી શ્રદ્ધા, હમારી વ્યવસ્થા’નો મંત્ર આપ્યો. આ જ કારણ છે કે આ વખતે ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમામાં ગત વર્ષની સરખામણીએ ૪ ગણા વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં. વર્ષ ૨૦૨૪માં માત્ર ૨.૫૦ લાખ શ્રદ્ધાળુઓએ આ પરિક્રમા કરી હતી.
રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા પણ નર્મદા પરિક્રમા કરવામાં આવી હતી અને તેમણે તંત્ર દ્વારા તેમજ સ્થાનિકો દ્વારા ઉભી કરવામાં આવેલી સુવિધાઓને બિરદાવી હતી.

પરિક્રમા માર્ગ અને ઘાટો બન્યા શ્રદ્ધાળુઓ માટે સુગમ
રાજ્ય સરકારે નર્મદા જિલ્લામાં રામપુર ઘાટથી શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ સુધીના ૧૫ કિલોમીટરના પરિક્રમા માર્ગ તેમજ ચારેય ઘાટો પર જે વ્યવસ્થાઓ ઊભી કરી, તેના કારણે શ્રદ્ધાળુઓ માટે કઠોર ગણાતી આ પરિક્રમા સુગમ બની રહી. પરિક્રમા શરૂ થતાં પહેલા જ સરકાર, યાત્રાધામ બોર્ડ તથા નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા માર્ગ પર રોડનું સમારકામ, પ્રોટેક્શન વૉલનું કામ, બોટિંગ જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. પરિક્માર્થીઓએ ૭૦ જેટલી બોટ દ્વારા આ પરિક્રમા પૂર્ણ કરી હતી.

સુરક્ષા માટે જવાનોનો મોટો કાફલો, વાહન-વ્યવહારની ઉત્તમ સુવિધા
પરિક્રમા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા પોલીસ અધિકારીઓ-કર્મચારીઓના જવાનોનો મોટો કાફલો પરિક્રમા દરમિયાન સતત તહેનાત રહ્યો. આ ઉપરાંત જિલ્લાના અધિકારીઓ પણ શ્રદ્ધાળુઓ માટે અનેક રીતે સહાયક બન્યા. આ સાથે જ, રેંગણ ગામ તથા ભાદરવા ગામથી યાત્રિકોના આવાગમન માટે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (જીએસઆરટીસી)ની ૧૦ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. પાર્કિંગ માટે રામપુરા, તિલકવાડા અને સામરિયા ખાતે વિશાળ પાર્કિંગ સ્થળો તૈયાર કરાયા હતા, તેમજ કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને; તે માટે એસડીઆરએફની ૬ ટીમો પણ હાજર હતી.

પ્રાથમિક સુવિધાઓ ધરાવતા હોલ્ડિંગ એરિયાનું નિર્માણ
એક જ સ્થાને પરિક્રમાર્થીઓની વધારે ભીડ ન થાય; તે માટે યાત્રિકો માટે તિલકવાડાથી રેંગણ વચ્ચે ૫ અને રામપુરાથી શહેરાવ વચ્ચે ૩ હોલ્ડિંગ બનાવવામા આવ્યા હતાં, જેમાં પીવાના પાણી, મંડપ, શૌચાલય, લાઇટ, પંખા, પબ્લિક અનાઉન્સમેન્ટ સિસ્ટમ (પીએએસ), માહિતી કેન્દ્રો તથા અન્ય સુવિધાઓ હતી. સોથી પણ વધારે સફાઈ કામદારો દ્વારા દિવસ રાત પરિક્રમા માર્ગની સાફ સફાઈ કરવામાં આવતી હતી. તમામ સ્થળે પૂરતા શૌચાલયોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Related Posts