અમરેલી

ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને સાજિયાવદર મુકામે કાર્યક્રમ યોજાયો

જરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાની કુલ ૧૯૪ ગ્રામ પંચાયતોના નવા મકાનના નિર્માણ માટે ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લાના સજીયાવદર ખાતે ઊર્જા અને કાયદો રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમને સંબોધતા રાજ્ય મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગ્રામ્ય વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગ્રામ પંચાયત મકાનોના નિર્માણથી ગ્રામ સ્વરાજને વધુ મજબૂતી મળશે તેમજ ગ્રામ્ય નાગરિકોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી ઉપલબ્ધ બનશે.

રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રૂ. ૪૮ કરોડથી વધુના ખર્ચે અમરેલી જિલ્લાની ૧૯૪ ગ્રામ પંચાયતોને આધુનિક સુવિધાઓથી સજ્જ નવા મકાનો ઉપલબ્ધ બનશે, જે ગ્રામ પંચાયતોની કાર્યક્ષમતામાં વધારો કરશે અને ગ્રામ્ય વહીવટને વધુ પારદર્શક બનાવશે. આગામી સમયમાં અમરેલી વિધાનસભા મતવિસ્તારના તમામ ગામમાં શાળાના નવા ભવન તૈયાર થશે જેની કામગીરી પ્રગતિતળે છે. માર્ગ મકાન વિભાગ રાજ્ય અને પંચાયત હસ્તકના તમામ રોડના કામ ચોમાસા પહેલા પૂર્ણ કરવામાં આવે તેવી નેમ છે. અમરેલી વિધાનસભા મતવિસ્તારની તમામ આંગણવાડીને મોડેલ આંગણવાડી બનાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. વિકાસકાર્યોની વણઝારમાં રાજ્ય સરકાર ઉદાર હાથે અમરેલીને વિકાસકાર્યોની ભેટ આપી રહી છે.

કૃષિકારોને સંબોધતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, અમરેલી વિધાનસભા મતવિસ્તારના ખેડૂતોને રાજ્ય સરકારના બે કૃષિ રાહત પેકેજની સહાય મળી છે. વર્ષ ૨૦૨૫ના કમોસમી વરસાદની નુકશાની બદલ સહાય અને તાજેતરમાં જ રાજ્ય સરકારે આપેલા રૂ. ૧૦,૦૦૦ કરોડના કૃષિ રાહત પેકેજની સહાયના નાણા કૃષિકારોના ખાતામાં જમા થઈ ગયા છે. એક તરફ રાહત સહાય બીજી તરફ રૂ. ૧૫,૦૦૦ કરોડની ટેકાના ભાવે ખરીદીથી ખેડૂતોને સરકારે આફતમાં સાથ આપ્યો છે.

આ કાર્યક્રમ પહેલા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે લાપાળિયા, ચાંપાથળ મુકામે નવિન પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જ્યારે સાજિયાવદર ખાતે ઈ-ખાતમુહૂર્ત બાદ શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરેશભાઈ પાથર, જિલ્લા પંચાયતના સભ્યોશ્રી મુકેશભાઈ બગડા, શંભુભાઈ મહિડા, શ્રી કાળુભાઈ, શ્રી પ્રવિણભાઈ માંગરોળીયા, તાલુકા પંચાયત અમરેલીના પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરીયા, અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરીમલ પંડ્યા, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ સાજિયાવદરના સરપંચશ્રી હરેશભાઈ ધાધલ આસપાસના વિવિધ ગામના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.   

Related Posts