જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને અને જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ પહલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાની સખત નિંદા કરતાં પાકિસ્તાન પર રોષ ઠાલવ્યો છે. તેમણે કહ્યું કે, હવે પાકિસ્તાન સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. કારણકે, તેમણે માનવતાની હત્યા કરી દીધી છે. ભારતે ૧૯૪૭માં ટૂ-નેશન થિયરીને ફગાવી હતી. આજે પણ તેનો સ્વીકાર કરવા તૈયાર નથી. કારણકે, દેશમાં હિન્દુ-મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી તમામ એક છે.
મીડિયા સાથે વાતચીત કરતાં નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું કે, દુર્ભાગ્યવશ આપણો પડોશી દેશ આજે પણ સમજી રહ્યો નથી કે, તેણે માનવતાની હત્યા કરી છે. તેઓ માને છે કે, આ કૃત્ય બાદ આપણે પાકિસ્તાન જતાં રહીશું, તો તેમની આ ગેરસમજને દૂર કરવી જાેઈએ.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અમે ૧૯૪૭માં તેમની સાથે નથી ગયા, તો આજે કેમ જતાં રહીએ? અમે ટુ-નેશન થિયરી ત્યારે પણ દરિયામાં વહાવી દીધી હતી. અને આજે પણ સ્વીકાર કરવા તૈયાર નથી. અહીં હિન્દુ, મુસ્લિમ, શીખ અને ખ્રિસ્તી તમામ ધર્મના લોકો એક છે. આ લોકો સમજે છે કે, તેઓ અમને નબળા પાડશે, પણ અમે હાર માનીશું નહીં. અમે તેમની આ હરકતથી વધુ મજબૂત બની રહ્યા છીએ અને તેમને આકરો જવાબ આપીશું. પાકિસ્તાન વાતચીત કરવા માગે છે. પરંતુ હવે વાતચીતનો સમય જતો રહ્યો છે. હું દરવખતે ઈચ્છતો હતો કે, વાતચીત થાય, પરંતુ હવે તેમની હરકતોથી લાગતુ નથી, અમે શું વાત કરીશું. શું તે ન્યાયી ગણાશે. ભારત હવે બાલાકોટ નથી ઈચ્છતું, તે પાકિસ્તાન વિરૂદ્ધ કાર્યવાહી કરવા માગે છે. જેથી ભવિષ્યમાં ફરી ક્યારેય આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
હવે પાકિસ્તાન સાથે વાત કરવાનો કોઈ અર્થ નથી. કારણકે, તેમણે માનવતાની હત્યા કરી દીધી છે: ફારૂક અબ્દુલ્લાહ

Recent Comments