સાવરકુંડલા શહેરની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થા શ્રી એસ.વી.દોશી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે તારીખ ૫-૨-૨૬ના રોજ એક ભવ્ય ‘ત્રિવિધ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હસ્તકલા પ્રદર્શન, ફૂડ ફેસ્ટિવલ અને વાલી મીટીંગ જેવા બહુઆયામી આયોજનો દ્વારા વિદ્યાર્થીનીઓની સર્જનાત્મકતા અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શાળામાં યોજાયેલા હસ્તકલા પ્રદર્શનમાં વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ૫૦ થી વધુ કલાત્મક નમૂનાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તે જ રીતે, ફૂડ ફેસ્ટિવલમાં ૧૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ૧૦૦ જેટલી અવનવી વાનગીઓ રજૂ કરી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ દીકરીઓને દાતા અને મોટીવેશનલ સ્પીકર શ્રી નરેન્દ્રભાઈ ડાભી તરફથી ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના મુખ્ય ભાગરૂપે યોજાયેલી વાલી મીટીંગમાં આશરે ૩૦૦ જેટલા વાલીઓએ હાજરી આપી હતી. શાળાના આચાર્યા શ્રીમતી ઉષાબેન બી. તેરૈયાએ વાલીઓને સંબોધતા શિક્ષણ પ્રત્યેની જાગૃતિ, કારકિર્દી માર્ગદર્શન અને શાળાની પ્રવૃત્તિઓમાં સહકાર આપવા અંગે ભાર મૂક્યો હતો. તેમણે ખાસ જણાવ્યું કે દીકરીઓ મજબૂત મનોબળ કેળવે અને શાળાના નીતિ-નિયમોનું પાલન થાય તે માટે વાલીઓનો સહકાર અનિવાર્ય છે.
અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ અને મોટીવેશનલ સ્પીકર શ્રી નરેન્દ્રભાઈ ડાભીએ વિદ્યાર્થીનીઓને કારકિર્દીના ક્ષેત્રમાં આગળ વધવા પ્રેરણા પૂરી પાડી હતી. તેમણે વાલીઓને એક માર્મિક પ્રશ્ન પૂછતા કહ્યું કે, “શું તમે તમારી દીકરી માટે માવો ખાતો જમાઈ પસંદ કરશો?” આ સવાલ દ્વારા તેમણે સમાજમાં ફેલાતા વ્યસનો સામે વાલીઓને જાગૃત થવા અને સંતાનો સમક્ષ આદર્શ પૂરો પાડવાની ટકોર કરી હતી.
સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સમિતિઓ જેવી કે પ્રાર્થના સમિતિ, ધ્વજવંદન અને સ્વયંસેવક તરીકે શ્રેષ્ઠ સેવા આપનાર વિદ્યાર્થીનીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સમગ્ર સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.


















Recent Comments