fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહ-૨૦૨૫ ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાશે

અમરેલી જિલ્લા કલેક્ટર અને રોડ સેફ્ટી કાઉન્સિલના ચેરમેન શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૫ની ઉજવણીના સુચારુ આયોજન સંદર્ભ બેઠક યોજાઈ હતી. માર્ગ સલામતી જિલ્લા સમિતિના સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં એક માસ દરમિયાન યોજાનાર અનેકવિધ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી પઢિયારે જણાવ્યું હતું કે, તા. ૦૧ જાન્યુઆરીથી ૩૧ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન માર્ગ સલામતી સપ્તાહ યોજાશે જેનો ઉદ્ધાટન સમારોહ જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા પોલીસવડાની પ્રેરક ઉપસ્થિતિમાં થશે. આ માસ દરમિયાન ધારી , લીલીયા તાલુકાની શાળઆઓમાં ચિત્ર અને વકૃત્વ તેમજ નિબંધ સ્પર્ધા યોજાશે અને સારો દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. 

આ ઉજવણી અંતર્ગત રાત્રિના સમયે વાહનોને જોઈ શકાય તેવા હેતુથી અમરેલી, સાવરકુંડલા, બાબરા એપીએમસી ખાતે રેડીયમ રીફ્લેક્ટર્સની સમજ આપી લગાડવામાં આવશે અને ૧૦૮ દ્વારા લાઇવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવશે. ડ્રાઇવરોના આરોગ્યની તકેદારી લેતા તેમના આંખ, કાન, ડાયાબિટીસ જેવી બિમારીના નિદાન માટે આરોગ્ય તપાસણી કેમ્પ યોજાશે તેમજ તેમની સાથે માર્ગ સલામતી અંગે સંવાદ થશે.રાજુલા અને બાબરા તાલુકામાં ડ્રાઇવર્સની આરોગ્યની તપાસણી જાગૃત્તિ કાર્યક્રમ યોજાશે અને ૧૦૮નું લાઇવ ડેમોન્સ્ટ્રેશન બતાવવામાં આવશે. જી.એસ.આર.ટી.સી.ના તમામ ડ્રાઇવર્સ માટે આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવશે. શાળાના બાળકોને સાથે રાખી રેલી સહિતના જાગૃત્તિ કાર્યક્રમ યોજાશે.

બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચન કરતા જણાવ્યું હતું કે, સમગ્ર માસ દરમિયાન માર્ગ સલામતી કાયદા અન્વયે રોંગ સાઇડ વાહન ડ્રાઇવિંગ ન કરવાની જાગૃત્તિ, સીટ બેલ્ટ અને હેલ્મેટના ઉપયોગની જાગૃત્તિ પ્રસરાવવી. સમગ્ર માસ દરમિયાન વાહનોની એકસ્ટ્રા એલઈડી લાઇટનું ચેકીંગ વધારવું.

તેમણે  હમીરસિંહ સર્કલ લાઠી બાયપાસ રોડ પર બસની પાર્કિંગ લેન માટે  અભ્યાસ કરી અને આ સુવિધા વિકસાવવા માટે સમિતિના સભ્યોના સૂચન અંતર્ગત ઘટતી કામગીરી કરવા સંબંધિત વિભાગોને જણાવ્યું હતું. આ ઉપરાંત જિલ્લામાંથી પસાર થતા માર્ગોના ડીવાઇડરની વચ્ચે સુયોગ્ય પ્લાન્ટેશન કરવાનું જણાવ્યું હતું. જિલ્લા કક્ષાએ શાળાઓમાં માર્ગ સલામતીની જાગૃત્તિ પ્રસરાવતા વીડિયો દર્શાવવાની સૂચના આપી હતી.  જિલ્લા કલેક્ટરશ્રીએ સમગ્ર માસ દરમિયાન કાર્યક્રમના સુચારું પ્રચાર પ્રસાર અને જાગૃત્તિ અર્થે સોશિયલ મીડિયા માધ્યમથી માર્ગ સલામતીની જાગૃત્તિ પ્રસરાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં આરોગ્ય, શિક્ષણ, જી.એસ.આર.ટી.સી, માર્ગ અને મકાન વિભાગ રાજ્ય અને પંચાયત, નગરપાલિકા, ઇમરજન્સી સેવા-૧૦૮, આપત્તિ વ્યવસ્થાપન શાખા, પોલીસ, આરોગ્ય સહિતના સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.    

                                 

Follow Me:

Related Posts