ગાંધીનગરના દહેગામના બહિયલમાં નવરાત્રી વચ્ચે બે જૂથ વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે. અહીં ગરબા આયોજન પર પથ્થરમારો, દુકાનોમાં તોડફોડ અને આગચંપી જેવી ઘટનાને અંજામ અપાયાની માહિતી સામે આવી છે. પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે કોઈ સોશિયલ મીડિયા પર સ્ટેટ્સ મૂકવાથી મામલો બીચક્યો હતો. મોડી રાતે સ્થિતિ બેકાબૂ થતાં 15 જેટલા પોલીસ વાહનોમાં તોડફોડ મચાવાઈ હતી. જોકે સવારે વિસ્તારમાં અજંપાભરી શાંતિ જોવા મળી હતી.
આક્ષેપ ઊઠી રહ્યા છે કે બહિયલમાં માની ગરબી ચાલી રહી હતી ત્યારે અચાનક જ વિધર્મીઓનું ટોળું ધસી આવ્યું હતું અને ગરબીમાં પથ્થરમારો કરી દીધો હતો. જેમાં કેટલાંક લોકોને ઈજા પણ પહોંચી છે. આ સમગ્ર મામલે 50 લોકોની અટકાયત કરવામાં આવી છે.
મોટી સંખ્યામાં વિધર્મીઓનું ટોળું ધસી આવ્યાના આક્ષેપો ઉઠી રહ્યા છે. બહિયલમાંથી ખૂબ જ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા હતા. વિધર્મીઓના ટોળાએ બે થી ત્રણ દુકાનોને આગ લગાવી દીધી હતી. અને લૂંટ પણ ચલાવી હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. એટલું જ નહીં અનેક વાહનોમાં તોડફોડ પણ કરી હતી.
પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. જો કે પોલીસે કડક પગલાં લેતા સ્થિતિ હાલ નિયંત્રણમાં હોવાનો દાવો કરાઈ રહ્યો છે. હાલ ગામમાં ચુસ્ત બંદોબસ્ત છે. પરંતુ વાતાવરણ ખૂબ જ તંગ છે. પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. LCB, SOG સહિતની ટીમે અસામાજીક તત્વોને પકડવા કામગીરી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ગરબા સ્થળે 3 બાજુએથી પથ્થરમારો થયો હતો અને 25 જેટલી ગાડીઓના કાચ તૂટ્યા હતા. આ પથ્થરમારામાં મહિલાઓને ઇજા પહોંચી હતી. પ્રાપ્ત જાણકારી અનુસાર 5 ટિયર ગેસ છોડવામાં આવ્યા છે અને 15 જેટલા પોલીસ વાહનોના કાચ પણ તૂટ્યા હતા.


















Recent Comments