fbpx
ગુજરાત

Watch Video : ભગવાન શ્રી કૃષ્ણ જીવન જીવતા શીખવે છે : મુસ્લિમ IPS અધિકારી

ભાવનગરમાં યોજાયેલી ધર્મ સભામાં એક મુસ્લિમ અધિકારીએ ભગવદગીતા, ધર્મ અને ભગવાન શ્રી કૃષ્ણ વિશે જે વાત કરી ત્યારે ઉપસ્થિત સાધુ-સંતો અને શ્રોતાઓ પણ આફરીન પોકારી ઉઠ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમના પ્રવચનનો વીડિયો પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. તેમણે શ્રોતાઓને સંબોધન કરતાં કહ્યું કે જયારે આપણે અખિલાધિપતિ કૃષ્ણનો સ્વીકાર કરીશું ત્યારે આપણે જીવનનો સ્વીકાર કરી શકીશું.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર જેવા નાના શહેરમાંથી એક ગરીબ પરિવારમાંથી આવતા ગુજરાત કેડરના યુવાન IPS અધિકારી શફીન હસને શકિત ભાવનગરમાં આયોજિત આરાધના ધર્મોત્સવના કાર્યક્રમમાં મંચ ઉપરથી જ્યારે કૃષ્ણ-અર્જુન અને ગીતા અંગે સંબોધન કર્યું ત્યારે, ત્યાં બેઠેલા સાધુ, સંતો સહિત શ્રોતાઓ તેમના વચનો પર આફરીન થઈ ગયા હતા. ભાવનગરની ધર્મસભામાં શફીન હસને કહ્યું કે, કુરુક્ષેત્રમાં કૃષ્ણ અને અર્જુનના સંવાદને સંજયના માધ્યમથી વેદવ્યાસે સમજાવ્યો છે. જયારે યુદ્ધક્ષેત્રમાં સ્વજનોને સામે જોઇને અર્જુન ભગવાનને પુછે છે કે સ્વજનોને હણીને મળીને સંપત્તિ-સુખ મળશે તો પણ શું? અર્જુનના વિષાદ પર કૃષ્ણએ જે જ્ઞાન આપ્યું છે તે ભગવદગીતાના 18 અધ્યાયમાં સમાયેલું છે. કૃષ્ણ ધર્મની વ્યાખ્યા આપતા અર્જુનને સમજાવે છે કે 23 ગુણોના સંયોજનથી જે પદાર્થ બને છે તે અધર્મ.

યંગેસ્ટ IPS હસને કહ્યું કે કૃષ્ણ ભગવાને 18માં અધ્યાયમાં 3 યોગ વિશે સમજાવ્યું છે. સાંખ્ય યોગ, કર્મયોગ અને ભક્તિયોગ. સાંખ્ય યોગને જ્ઞાન યોગ પણ કહેવામાં આવે છે. સાંખ્ય યોગમાં કૃષ્ણ સમજાવે છે કે આત્મા એ પરમાત્માનો અંશ છે, આપણું શરીર એ આપણું નથી એ હકીકત એટલે જ સાંખ્ય યોગ. કર્મયોગમાં કૃષ્ણ કહે છે કે દેહમાં રહીને કર્મ કરવાનું છે પણ ફળની આશા રાખવાની નથી. ભક્તિયોગ એટલે સંપૂર્ણ સમર્પણ.

આ મુસ્લિમ અધિકારીએ ખૂબ જ સરળ ભાષામાં સમજાવતા કહ્યું કે, કૃષ્ણ એક એવા ભગવાન છે જે આપણને જીવન જીવતા શીખવે છે. બીજા ભગવાન મૃત્યુ પછીની વાત કરે છે, પણ કૃષ્ણને આપણે એટલે જ પૂર્ણ પુરુષોત્તમ કહીએ છીએ, કારણ કે જેવી છે તેવી જ પરિસ્થિતિનો તેમણે સ્વીકાર કર્યો છે. તેમણે હિંસા- અહીંસા, સુખ-દુખમાં સમાન ભાવ રાખ્યો છે. અને તે જ જ્ઞાન તેમના દ્વારા આપવામાં આવ્યું છે.

કૃષ્ણ ભગવાને સમજાવ્યું છે કે જો એક પણ વ્યકિત દુ:ખી હશે તો પરમાત્મા પણ દુ:ખી હશે. એ વાત આપણે જ્યારે સમજતા થશું કે આપણી આજુબાજુની વ્યકિત દુ:ખી ન રહે, તો આપણે પણ ધર્મની નજીક પહોંચીશું. તેમણે કહ્યું કે, વિજ્ઞાન જે વાતો કરે છે તે વાતો આપણાં ધર્મ શાસ્ત્રોએ હજારો વર્ષ પહેલાં કરી દીધી છે. વિજ્ઞાન ઉત્ક્રાંતિની જે વાત કરે છે તે ધર્મશાસ્ત્રમાં વિષ્ણુના બધા અવતારોમાં છે. ભગવાન વિષ્ણુનો પહેલો અવતાર મીન, ત્યારબાદ કાચબો, વરાહ, નૃસિંહ, બટુક અને મર્યાદા પુરુષોતમ રામ.

શફીન હસન દ્વારા જણાવવામાં આવ્યું, કે સામાન્ય રીતે બાળક જન્મે ત્યારે રડતું આવે, પરંતુ રાજકુમાર હોવા છતા કૃષ્ણે જન્મ લેવો પડે, સગા-માતા પિતાને છોડીને વૃંદાવનમાં ગોવાળની જેમ ઉછેર કરવો પડે, પોતાના પ્રથમ પ્રેમ રાધાની છોડીને મથુરા જવુ પડે અને સગા મામાનો વધ કરવો પડે અને અંતે એક સામાન્ય પારઘીના બાણે મોતનો સ્વીકાર કરવો પડે. એટલે જ કહેવાય છે કે કૃષ્ણ ખરેખર આપણને જીવન જીવતા શીખવે છે.

Follow Me:

Related Posts