ભારત અને અમેરિકા વચ્ચે ડીલ થવાની છે, એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે. જે પછી હવે કેન્દ્રિય મંત્રી પીયુષ ગોયલે હવે નિવેદન આપ્યું છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલુનું કહેવું છે કે, ભારત- અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વ્યાપાર કરારની વાટાઘાટો સારી રીતે ચાલી રહી છે. ટૂંક સમયમાં બંને પક્ષો વચ્ચે એક ન્યાયી અને વાજબી ડીલની જાહેરાત કરવામાં આવશે.ગોયલે તેમની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમેરિકા સાથે સતત ચર્ચા ચાલી રહી છે, અને હાલમાં જ વાણિજ્ય સચિવે અમેરિકાની મુલાકાત લીધી હતી અને તેમના અમેરિકન સમકક્ષો સાથે મુલાકાત અને ચર્ચાઓ કરી હતી. વાટાઘાટો ચાલુ છે, અને અમને આશા છે કે, ટૂંક સમયમાં એક ન્યાયી અને સંતુલિત કરાર પર પહોંચવાની આશા છે.ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલની આગેવાની હેઠળની એક ભારતીય ટીમ વોશિંગ્ટનની મુલાકાતે ગઈ હતી, જ્યાં તેમણે અમેરિકન અધિકારીઓ સાથે ત્રણ દિવસની વેપાર વાટાઘાટો કરી હતી. આ બેઠક 17 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ હતી. અમેરિકાએ ભારતીય સામાનોની આયાત પર 50 ટકા ટેરિફ લાદ્યો છે. જેમાં 25 ટકા ટેરિફ ભારત દ્વારા રશિયન તેલની ખરીદવા પર પેનલ્ટી તરીકે લગાવવામાં આવ્યો છે. જો કે, હવે વેપાર કરાર હેઠળ આ ટેરિફ 50 ટકાથી ઘટાડીને 15 ટકા કરવા માટે ચર્ચા ચાલી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમેરિકા ટૂંક સમયમાં ટેરિફ ઘટાડીને 15થી 16 ટકા કરશે.
બીજી બાજુ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, ભારત મકાઈ જેવા ચોક્કસ કૃષિ ઉત્પાદનો માટે અમેરિકા માટે પોતાનું બજાર ખોલી શકે છે. જોકે, અત્યાર સુધીમાં કોઈપણ મુદ્દે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.બંને દેશો વચ્ચેના વેપાર કરારનો લક્ષ્યાંક 2030 સુધીમાં દ્વિપક્ષીય વેપારને વર્તમાન 191 અબજ ડોલરથી વધારીને 500 અબજ ડોલરથી વધુ કરવાનો છે. અમેરિકા સતત ચોથા વર્ષે ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર રહ્યો છે. 2024- 25 માં દ્વિપક્ષીય વેપારનું મૂલ્ય 131.84 અબજ ડોલર હતું, જેમાં નિકાસનો હિસ્સો 86.5 અબજ ડોલર હતો, જે ભારતની કુલ નિકાસના 18 ટકા, આયાતના 6.22 ટકા અને કુલ વેપારના 10.73 ટકા હતો.



















Recent Comments