આઝાદીથી આજદિન સુધી ગઠામણ ગામ ગ્રામ પંચાયતની જ ચૂંટણી થઇ નથી

પાલનપુરથી દસ કિલોમીટરના અંતરે આવેલું નાનકડું ગઠામણ ગામ જ્યાં ઠાકોર અને લધુમતી સમાજના લોકોની બહુમતી છે. આ ગામની વિશેષતા એ છે કે, આઝાદી પછી આજદિન સુધી ગામના સરપંચ કે સભ્યની ચૂંટણી યોજાઇ જ નથી. દર પાંચ વર્ષે ગ્રામજનો એકત્ર થાય છે. અને સર્વાનુમતે ર્નિણય લઇ સરપંચ અને સભ્યોને નક્કી કરે છે. ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થઇ ગયું છે. ત્યારે આ વર્ષે પણ આ પરંપરા નિભાવવામાં આવશે. પાલનપુર તાલુકાનું ગઠામણ ગામ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એકતા અને ભાઇચારાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડી રહ્યું છે. જ્યાં આઝાદી પછી આજદિન સુધી ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઇ જ નથી.
આ અંગે ગત ટર્મના સરપંચ કુંવરજી ઠાકોરે જણાવ્યું કે, અમારા ગામમાં ઠાકોર સમાજ અને મુસ્લિમ સમાજની બહુમતી છે. ગામની વસ્તી ૮૦૦૦ છે. જેમાં પ્રજાપતિ, સુથાર, લુહાર, દરજી, પરમાર, નાયી સહિત અનુસૂચિત જાતિના ઘર પણ આવેલા છે. દર પાંચ વર્ષે સરપંચ અને ૧૦ વોર્ડના સભ્યોની ચૂંટણી કરવામાં આવતી નથી. સભ્યોને પાંચ વર્ષ માટે બિનહરીફ બનાવવામાં આવે છે.
જ્યારે સરપંચની બેઠક માટે પાંચ વર્ષની ટર્મમાં અઢી વર્ષ ઠાકોર સમાજ અને બાકીના અઢી વર્ષ માટે મુસ્લિમ સમાજના ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. ડેપ્યુટી સરપંચ માટે પણ આ પ્રમાણે જ ર્નિણય લેવામાં આવે છે. જાે પહેલા મુસ્લિમ સમાજનો સરપંચ બને તો અઢી વર્ષ પછી ઠાકોર સમાજમાંથી સરપંચ બનાવવામાં આવે છે. આ વખતે પણ આ પરંપરા મુજબ જ ગામને સમરસ બનાવવામાં આવશે.
ગ્રામજનો દ્વારા એક અનોખો નિયમ એવો પણ બનાવવામાં આવ્યો છે કે, અગાઉ જે વ્યક્તિ સરપંચ કે સભ્ય તરીકે રહ્યો હોય તેને ફરીથી ગ્રામ પંચાયતમાં કોઇ સ્થાન આપવું નહી. દર વર્ષે નવા વ્યકિતની જ સરપંચ અને સભ્ય તરીકે પસંદગી કરવી. આ નિયમથી ગામના નવા યુવાનોને તક મળે છે. વિકાસ થાય છે.
અમારા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થતી ન હોવાથી ગામને સરકાર દ્વારા સમરસ યોજના હેઠળ વધારાની ગ્રાન્ટ મળે છે. જેનાથી ગામનો વિકાસ થયો છે. ઘરે ઘરે નળ કનેકશન, ગટરો, રસ્તાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વળી હિંદુ- મુસ્લિમ સમાજ વચ્ચે વર્ષોથી ભાઇચારા અને કોમી એખલાસની ભાવના જળવાઇ રહી છે
Recent Comments