ઓમિક્રોનના ભયથી આંતરાષ્ટ્રીય ફ્લાઈટ્સના બૂકિંગ ઘટયા

વિશ્વના અનેક દેશોમાં ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઈટ્સના બૂકિંગ પર ઓમિક્રોન વેરિઅન્ટની અસર જાેવા મળી છે. બ્રિટનની એરલાઈન ઈઝીજેટે કહ્યું કે, ઓમિક્રોન વેરિઅન્ટના સમાચાર પછી ટિકિટોના બૂકિંગમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જાેકે, ઓમિક્રોન વેરીઅન્ટની વિમાન કંપનીઓ પર કેટલી અસર થશે તે કહેવું હજુ ઘણું વહેલું છે. સ્કોટલેન્ડમાં ઓમિક્રોનના ત્રણ કેસ નોંધાયા પછી બ્રિટનમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ વધીને ૧૪ થયા છે. આ વેરિઅન્ટના કેસમાં સતત થઈ રહેલા વધારાના પગલે બ્રિટને મંગળવારથી દુકાનો અને જાહેર સ્થળો પર ફેસ કવરિંગ ફરજિયાત કર્યું છે.જાપાન અને ફ્રાન્સે મંગળવારે તેમના ત્યાં કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના પહેલા કેસ નોંધાયા હોવાનું જણાવ્યું છે. ઓમિક્રોન વાઈરસ મળ્યા અને ડેલ્ટાથી પણ વધુ ખતરનાક હોવાના પ્રારંભિક અહેવાલો પછી મોટા ભાગના દેશો વિદેશી પ્રવાસીઓ માટે તેમના દરવાજા બંધ કરી રહ્યું છે તેમ છતાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ઓમિક્રોનના ભયે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સના બૂકિંગ ઘટવા લાગ્યા છે જ્યારે બ્રિટનમાં ઓમિક્રોનના કેસ વધીને ૧૪ થઈ ગયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)એ ઓમિક્રોન વેરિઅન્ટને પ્રારંભિક પુરાવાના આધારે ‘અત્યંત ચિંતાજનક’ ગણાવતાં વિશ્વ જાેખમમાં હોવાની ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે, આ વેરિઅન્ટના અનેક ગંભીર પરિણામો આવી શકે છે. ફ્રેન્ચ ઓથોરિટીએ મંગળવારે હિન્દ મહાસાગરમાં તેના શાસન હેઠળના ટાપુ રિયુનિયનમાં ઓમિક્રોન વેરિઅન્ટનો પહેલો કેસ નોંધાયો હોવાની પુષ્ટી કરી છે. રિયુનિયન ટાપુની રિસર્ચ ક્લિનિકમાં માઈક્રોબાયોલોજિસ્ટ પેટ્રિક માવિન્ગુઈ નવા વેરિઅન્ટથી કોરોના પોઝિટિવ હોવાનું જણાયું છે. તેણે તાજેતરમા ંજ મોઝામ્બિકનો પ્રવાસ કર્યો હતો. જાપાને પણ મંગળવારે પુષ્ટી કરી હતી કે નામિબિયાથી જાપાન આવેલો એક પ્રવાસી ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જણાયું છે. જાપાને બધા જ વિદેશી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યાના બીજા દિવસે આ કેસ સામે આવ્યો છે. આ વિદેશી પ્રવાસી રવિવારે નારિટા એરપોર્ટ પર કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. બીજીબાજુ કમ્બોડિયાએ ૧૦ આફ્રિકન દેશોના પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. કમ્બોડિયાએ રસીના બંને ડોઝ લીધા હોય તેવા પ્રવાસીઓ માટે સરહદો ખોલ્યાના બે જ સપ્તાહમાં તેણે ફરીથી પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટ અંગે સમગ્ર દુનિયામાં ચિંતા ફેલાયેલી છે ત્યારે દક્ષિણ આફ્રિકાના ડોક્ટરોનું કહેવું છે કે આ વેરિઅન્ટના દર્દીઓમાં કોરોનાના હળવા લક્ષણો જાેવા મળ્યા છે. નવા કેસ મોટાભાગે ૨૦થી ૩૦ વર્ષના યુવાનોમાં વધુ જાેવા મળ્યા છે.
Recent Comments