વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્કિલ ઇન્ડિયા અભિયાનને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ વેગ આપી રહી છે. ઉદ્યોગોની માંગ મુજબની તાલીમના લીધે આઈ.ટી.આઈના વિદ્યાર્થીઓને રોજગારીના નવા દ્વાર ખૂલી રહ્યા છે. ઔદ્યોગિત તાલીમ સંસ્થા અમરેલી તેના સુદ્દઢ માળખા અને અનુભવી શિક્ષકોના માર્ગદર્શનના કારણે વિદ્યાર્થીઓના કરિયરની નવી દિશા આપી રહી છે. સંસ્થામાંથી ફિટર ટ્રેડમાં અભ્યાસ કરનારા બે વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત કંપનીઓમાં યોગ્ય રોજગારી મેળવી છે.
વર્ષ ૨૦૨૪માં ફિટર ટ્રેડમાંથી પાસ થનારા લાઠી તાલુકાના દૂધાળાબાઈ ગામના જયરાજભાઈ ગોહિલ હાલ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કુટર પ્રા.લીમાં ક્વોલિટી ટેકનિશિયલ તરીકે કામ કરી રહ્યા છે. તેમને વાર્ષિક રૂ. ૨,૭૩,૦૦૦ના પેકેજની નોકરી ફક્ત બે વર્ષના ફિટર ટ્રેડની તાલીમ બાદ મળી છે. તાલીમ દરમિયાન ઇન્ટ્રક્ટરશ્રી એમ.વી. ગોસ્વામીના માર્ગદર્શનમાં તેઓએ ઉત્તમ પ્રાયોગિક અને તકનીકી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મને ધો. ૧૦ બાદ લાંબો અભ્યાસ કરીને નોકરી મેળવવાના બદલે સ્કિલ્ડ બેઝ તાલીમ મેળવી અને આત્મનિર્ભર થવાની ઇચ્છા હતી. આઈ.ટી.આઈના અભ્યાસમાં મને સ્કોલરશીપ મળી હતી. ફક્ત બે વર્ષના અભ્યાસ થકી મને આજે સન્માનજનક રોજગારી મળી છે. જેમ અનુભવ વધશે તેમ સારી સેલેરી પણ મળશે તેવો મને વિશ્વાસ છે.
ફિટર ટ્રેડમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા અને મૂળ રંગપુરના વતનીશ્રી ગૌતમભાઈ ચોવટીયાએ સંસ્થાના માર્ગદર્શન અને મહેનત થકી એલ.એન્ડ ટી કંપનીમાં હજીરા ખાતે વાર્ષિક રૂ. ૩,૩૬,૦૦૦ના પગારની નોકરી મેળવી છે. તેમની સફળતા આઈ.ટી.આઈના કૌશલ્યલક્ષી શિક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. યુવાનોને સંદેશો આપતા શ્રીચોવટીયા જણાવે છે કે, માત્ર ડિગ્રી જ નહીં પરંતુ કૌશલ્ય (skill) અને ટેકનિકલ જ્ઞાન આજના સમયમાં સફળતાની ચાવી છે.
આઈ.ટી.આઈ અમરેલીના વિદ્યાર્થીઓની આ સફળતાને પ્રિન્સીપાલ શ્રી તેજલ ભટ્ટ તેમજ શિક્ષકોએ બિરદાવી છે. આમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા અમરેલી કૌશલ્યથી સફળતા અને રોજગારથી આત્મનિર્ભરતાનું ધામ બની રહી છે.












Recent Comments