અમરેલી

માત્ર ત્રણ જ દિવસમાં અમરેલી જિલ્લાના ૨૧,૯૨૭ નાગરિકોને કોવીડ-૧૯ રસીકરણનો વિક્રમ

કોરોના વાયરસ સામેની લડાઈમાં રસી લઈ અમરેલીના પ્રબુદ્ધ પ્રજાજનોએ જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી છે. અમરેલી વહિવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી મૅગા વેક્સિનેશન ડ્રાઈવમાં તા.૨૦ માર્ચના રોજ ૭૭૦૯, ૨૧ માર્ચના ૭૧૨૧ અને ૨૨ માર્ચના ૭૦૯૭ એમ કુલ મળી ત્રણ દિવસમાં ૨૧,૯૨૭ જેટલા નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોને વેક્સીન આપવામાં આવી હતી.

રાજ્યમાં કોવિડ-૧૯ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે જેમને વાયરસના સંક્રમણનું સૌથી વધુ જોખમ છે એવા વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી એટલે કે ગંભીર રોગો ધરાવતા નાગરિકોને સુરક્ષા પ્રદાન કરવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મૅગા વેક્સિનેશન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. આ ડ્રાઈવ અંતર્ગત તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ દ્વારા સામાજીક, ધાર્મિક અને રાજકિય આગેવાનોના સહયોગથી પ્રજાજનોમાં કોરોના પ્રતિરોધક રસી અંગેની ભ્રામક માન્યતાઓ દૂર કરી નાગરિકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

કોરોના પ્રતિરોધક રસીકરણ અંતર્ગત સાવરકુંડલાના વિદ્યુતનગર ખાતે ગુજરાત રાજ્યના વેરહાઉસ કોર્પોરેશનના અધિકારી શ્રી હરેશભાઇ ગોહિલ અને અને તેમના ધર્મપત્ની શ્રીમતી હર્ષાબેન ગોહિલએ કોવીડ-૧૯ વેક્સીન લીધી હતી. આ અંગે વાત કરતા શ્રી ગોહિલ જણાવે છે કે આરોગ્યકર્મીઓ વેક્સીન આપવા માટે ઘરે આવ્યા હતા અને વેક્સીન અંગેની ભ્રામક માન્યતાઓ દૂર કરી યોગ્ય સમજણ પુરી પાડી હતી. મને હૃદયરોગની બીમારી અને મારા પત્નિને શ્વાસની બીમારી હોવા છતા અમે કોવીડ-૧૯ વેક્સીન લીધી છે. પરંતુ વેક્સીન લીધા બાદ કોઈપણ પ્રકારની આડઅસર કે અન્ય તકલીફ જણાઈ નથી. એટલે આ રસી સંપુર્ણ સલામત છે અને બધા જ લોકોએ રસી લેવી જોઈએ. સાથે જ ગ્રામ્ય અને શહેરી કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રી, આશા વર્કર્સ, આંગણવાડી કાર્યકરો સહિતના ફિલ્ડ લેવલના કર્મચારીઓ દ્વારા પણ મહત્તમ લોકોનું રસીકરણ થાય તે માટે પ્રયાસો કરાઈ રહ્યા છે. તંત્રના આ પ્રયાસોને બહોળો પ્રતિસાદ આપી વરિષ્ઠ નાગરિકો અને કો-મોર્બિડિટી ધરાવતા નાગરિકોએ રસી લઈ જિલ્લામાં સૌથી વધુ રસીકરણનો વિક્રમ નોંધાવ્યો છે.

વરિષ્ઠ નાગરિકોએ મોટા પ્રમાણમાં રસીકરણ ઝુંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે. ખુબ ટૂંકા ગાળામાં મહત્તમ લોકો રસી લેવા માટે પ્રેરાયા છે ત્યારે રસી લેવાની બાકી હોય તેવા નાગરિકો પણ આ વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લઈ પોતાના પરિવાર અને સમાજને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પૂરૂ પાડવાના તંત્રના પ્રયાસોમાં સહભાગી થાય તે આવશ્યક અને આવકારદાયક છે

Follow Me:

Related Posts