લોન મોરેટોરિયમ ગાળામાં બેન્કો ગ્રાહકો પાસેથી ચક્રવૃદ્ધિ વ્યાજ, પેનલ્ટી ન વસૂલેઃ સુપ્રીમ

લોકડાઉનમાં લોનના હપ્તામાં રાહત મેળવનારાઓનું વ્યાજ માફ નહીં થાય, કમ્પાઉન્ડ વ્યાજ થશે રિફંડ
વ્યાજનુ વ્યાજ માફ કરવું અર્થવ્યવસ્થા અને બેકીંગ ક્ષેત્ર માટે હાનિકારકઃ સુપ્રિમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે લોકડાઉનના સમયગાળામાં બેન્કોને તેમના ગ્રાહકો પાસેથી લોન પરના ચક્રવૃદ્ધિ વ્યાજ અને પેનલ્ટી નહીં વસૂલવાનો નિર્દેશ કર્યો છે. જાે બેન્કોએ છ માસના લોન મોરેટોરિયમ ગાળામાં આ પ્રકારનું વ્યાજ કે દંડ વસૂલ્યો હશે તો તેને પરત કરવા અથવા આગામી હપ્તામાં સરભર કરવા આદેશ કર્યો છે. બીજીતરફ લોન મોરેટોરિયમ પૉલિસીમાં દખલ આપવાનો સુપ્રીમ કોર્ટે ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, નાણાકીય નીતિઓનો મુદ્દો કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્કના અધિકારક્ષેત્રમાં આવે છે. કોર્ટ આ મુદ્દે ન્યાયિક સમીક્ષા ના કરી શકે. આર્થિક નીતિ ર્નિણયો પર ન્યાયિક સમીક્ષાનો સિમિત દાયરો છે. કોર્ટ વ્યાપાર અને વાણિજ્ય કે શૈક્ષણિક મુદ્દાઓ પર દલીલ નહીં કરે. કઈ જાહેર નીતિ વધુ સારી છે તે કોર્ટ નક્કી ના કરી શકે. વધુ સારી યોજનાને લીધે કોઈ બીજી યોજનાને રદ કરી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે વધુમાં ઉમેર્યું કે આ ગાળામાં ઈએમઆઈ નહીં ભરવા પર પેનલ્ટી લગાવવામાં ના આવે, જાે કોઈ બેન્કે પેનલ્ટી લગાવી હોય તો હવે પછીના ઈએમઆઈમાં તે સરભર કરી આપે. સરકાર અને આરબીઆઈ નિષ્ણાતોના મત મુજબ આર્થિક નીતિ ઘડે છે કોર્ટ પાસેથી આર્થિક નિષ્ણાત જેવી સલાહની અપેક્ષા ના રાખી શકાય. સુપ્રીમ કોર્ટના મતે તે આર્થિક નીતિમાં કેન્દ્રની સલાહકાર નથી. મહામારીથી સમગ્ર દેશ પ્રભાવિત થયો હતો અને કેન્દ્ર સરકારે આર્થિક પેકેજ જાહેર કર્યું હતું. સરકારને જાહેર આરોગ્ય, નોકરીઓ વગેરે બાબતોનું ધ્યાન રાખવું પડ્યું અને આર્થિક તંગી પણ ઉભી થઈ હતી. લોકડાઉનને લીધે ટેક્સની આવક ગુમાવ્યા છતાં આર્થિક રાહતની માટે કેન્દ્ર કે આરબીઆઈને ફરજ પાડી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટમાં મોરેટોરિયમનો ગાળો લંબાવવા અને વ્યાજનું વ્યાજ માફ કરવા માટે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી થઈ હતી. આ ઉપરાંત પાવર સેક્ટર, રિયલ એસ્ટેટ તેમજ અન્ય સેક્ટરોમાં પણ આ યોજના લાગુ કરવા માંગ કરવામાં આવી હતી. કોર્ટે અરજદારો, કેન્દ્ર, આરબીઆઈ તેમજ મધ્યસ્થીઓની સુનાવણી બાદ ગત વર્ષએ ૧૭ ડિસેમ્બરના ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
રિઝર્વ બેન્કે ૧ માર્ચ ૨૦૨૦થી ૩૧ મે ૨૦૨૦ વચ્ચે તમામ લોન પરના ઈએમઆઈ પેમેન્ટ પર બેન્કો તેમજ નાણાં સંસ્થાઓને ત્રણ મહિનાની મુદત આપવા મંજૂરી આપી હતી, બાદમાં આ ગાળો લંબાવીને ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધી વધુ ત્રણ મહિના લંબાવાયો હતો. જાે કે અરજદારોએ આ મુદત ૩૧ ડિસેમ્બર સુધી લંબાવવા માંગ કરી હતી.
Recent Comments