ભાવનગર

કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભાવનગર ખાતે ક્લસ્ટર કક્ષાનો રોજગાર ભરતીમેળો યોજાયો

ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે ભાવનગરના
મોતીબાગ ખાતે શ્રી અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટરમાં ક્લસ્ટર કક્ષાના રોજગાર ભરતીમેળાનું
આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં
જોડાયા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા યુવાનોને તેમની
લાયકાત, કૌશલ્ય અને આવડતને અનુરૂપ રોજગારની તકો ઉપલબ્ધ કરાવવા રોજગારદાતા અને
રોજગારવાંચ્છુ ઉમેદવારોને એક મંચ પર લાવી ક્લસ્ટર કક્ષાના ભરતીમેળાઓનું આયોજન કરવામાં આવી
રહ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી રાજ્યમાં નવા ઉદ્યોગો અને રોકાણને વેગ મળતાં
વિવિધ ક્ષેત્રોમાં રોજગારની નવી તકો ઊભી થઈ રહી છે. આ તકોનો લાભ લેવા યુવાનો ઉદ્યોગોની

જરૂરિયાત અનુસાર કૌશલ્યસભર બને તે માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ તથા વિવિધ કૌશલ્યલક્ષી
અભ્યાસક્રમો મારફતે તાલીમ આપવામાં આવી રહી છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, યુવાનોને રોજગારની સાથે સ્વરોજગાર તરફ પ્રેરિત કરી આત્મનિર્ભર
બનાવવા સરકારની વિવિધ કલ્યાણકારી અને સ્વરોજગારલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન તથા સહાય પૂરી
પાડવામાં આવી રહી છે. તેમણે યુવાનોને ઉપલબ્ધ રોજગાર અને સ્વરોજગારની તકોનો મહત્તમ લાભ લઈ
આત્મનિર્ભર બનવા તેમજ રોજગારદાતાઓને યુવાનોની કૌશલ્ય અને આવડતને તક આપી તેમને લાંબા
ગાળાની રોજગારી સાથે જોડવા અનુરોધ કર્યો હતો.
મેયર શ્રીમતી ઉષાબેન તલરેજાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં શિક્ષણની સાથે કૌશલ્ય, ટેકનિકલ જ્ઞાન
અને યોગ્ય માર્ગદર્શન યુવાનો માટે અત્યંત જરૂરી છે. માત્ર ડિગ્રી નહીં, પરંતુ પોતાની આવડત અને
કૌશલ્યને રોજગાર સાથે જોડવાની ક્ષમતા સફળ કારકિર્દી માટે મહત્વપૂર્ણ છે. આવા ભરતીમેળાઓ યુવાનોને
વિવિધ રોજગારદાતાઓ સાથે સીધો સંપર્ક સાધવાની તક પૂરી પાડે છે ત્યારે ભાવનગર, અમરેલી અને
બોટાદના યુવાનો આ તકનો લાભ લઈ પોતાની પ્રતિભા અને કૌશલ્યને નવી દિશા આપે તેવી તેમણે
શુભેચ્છા પાઠવી હતી.
આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૬ ઉમેદવારોને રોજગાર એનાયત પત્ર અને ૫ નોકરીદાતાને
પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.
ભરતીમેળામાં ક્રેસિલ લિમિટેડ, આઈ.પી.સી.એલ., સ્ટીલ કાસ્ટ લિમિટેડ, સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિ.,
મધુસિલિકા પ્રા. લિ., આવડકૃપા પ્લાસ્ટોમેક પ્રા. લિ. સહિત જિલ્લા તથા જિલ્લા બહારની ૩૦થી વધુ
કંપનીઓએ ભાગ લીધો હતો.
મેન્યુફેક્ચરિંગ, બેન્કિંગ-ફાઇનાન્સ, હોસ્પિટલ, આઈ.ટી., ટેક્સટાઇલ અને સિક્યુરિટી સર્વિસ સહિતના વિવિધ
ક્ષેત્રોમાં જુનિયર એન્જિનિયર, સી.એન.સી.-વી.એમ.સી. ઓપરેટર, સુપરવાઇઝર, ક્યુ.સી. કેમિસ્ટ, ફિટર,
વેલ્ડર, મશીનિસ્ટ, ટર્નર અને ઇલેક્ટ્રિશિયન સહિતની ટેકનિકલ તથા નોન-ટેકનિકલ જગ્યાઓ માટે ભરતી
પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરુ, જિલ્લા રોજગાર અધિકારી શ્રી પ્રજાપતિ,
આઈ.ટી.આઈ. વિભાગના આચાર્ય શ્રી મુકેશભાઈ મીઠાપરા સહિત ભાવનગર, અમરેલી અને બોટાદ
જિલ્લાના રોજગારવાંચ્છુ ઉમેદવારો તથા નોકરીદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts