હોમ ક્વૉરન્ટીન થતા લોકોને રાહતઃ સુપ્રિમનો રાજ્ય સરકારોને આદેશ કોરોના દર્દીઓના ઘરની બહાર પોસ્ટર લગાવવા પર સુપ્રિમની રોક
કેન્દ્રની ગાઈડલાઈનમાં ક્યાંય દર્દીના ઘર બહાર પોસ્ટર-સ્ટીકર લગાવવાનો ઉલ્લેખ નથી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અંતર્ગત આદેશ મળે તે પછી જ ઘરની બહાર કોવિડનું પોસ્ટર લગાવવું
કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓના ઘરની બહાર સ્ટીકર લગાવવાના મામલે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે કોઈ પણ રાજ્ય કોરોના સંક્રમિત દર્દીઓના ઘરની બહાર કોરોનાના પોસ્ટર લગાવી શકશે નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારની ગાઈડલાઈન માં સ્ટીકર લગાવવા સંબંધિત એવી કોઈ પણ વાત કહેવામાં આવી નથી. જાે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીનો આદેશ હશે તો જ ઘરની બહાર પોસ્ટર લગાવી શકાશે.
કોરોના પોઝિટિવ દર્દીઓના ઘરની બહાર લગાવવામાં આવતા સ્ટીકર્સને લઈને કુશ કાલરાએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે આ મામલે આ પ્રકારના સ્ટીકરના કારણે દર્દીઓ સાથે અછૂત જેવુ વર્તન થતુ હોવાનું વડી અદાલતે નોંધ્યુ હતું. આજે આ મામલે વધુ સુનાવણી હાથ ધરતા સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કડક આદેશ આપ્યા છે કે, જાે ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીનો આદેશ ના હોય તો કોઈ પણ કોરોના પોઝિટિવ દર્દીના ઘરની બહાર કોરોનાના પોસ્ટર લગાવવા નહીં.
સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, કોરોના સંક્રમણને રોકવાના પ્રયાસના ભાગરૂપે કેટલાક રાજ્યોએ આ પદ્ધતિ અપનાવી છે. કેન્દ્રએ તમામ રાજ્યોને પત્ર લખીને ફાયર સેફ્ટી પર રિપોર્ટ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે, ફાયર સેફ્ટીને લઈને તમે અત્યાર સુધીમાં કેટલા અધિકારીની નિમણુંક કરી છે?
જવાબમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, અમારી કોઈ ગાઈડલાઈન્સ મુજબ સ્ટિકર લગાવવાની જાેગવાઈ અગાઉ પણ ન હતી, અત્યારે પણ નથી. આ મુદ્દે ગયા સપ્તાહે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, કોરોના દર્દીઓનાં ઘરની બહાર પોસ્ટર લગાવ્યાં પછી તેમની સાથે અછૂત જેવું વર્તન કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, આ કોઈ ફરજિયાત નિયમ નથી. આ પ્રેક્ટિસનો હેતુ કોરોના દર્દીઓને કલંકિત કરવાનો નથી, પરંતુ આ વ્યવસ્થા અન્યોની સુરક્ષા માટે છે. સરકારના જવાબમાં જસ્ટિસ અશોક ભૂષણ, આર સુભાષ રેડ્ડી અને એમ. આર. શાહની બેન્ચે કહ્યું હતું કે, ખરેખર હકીકત અલગ છે. આ મામલે વધુ સુનાવણી ગુરુવારે કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે ૫ નવેમ્બરે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે કોરોના દર્દીઓનાં ઘરની બહાર પોસ્ટર લગાવતાં રોકવાની ગાઈડલાઈન્સ જાહેર કરવા વિશે વિચારણા કરવી જાેઈએ. આ મામલે પિટિશનર કુશ કાલરાએ અપીલ કરી હતી. આ વિશે કોર્ટે સરકારને કોઈ નોટિસ જાહેર કર્યા વગર આદેશ કર્યા હતા.
Recent Comments