અમરેલી લોકસભા મતવિસ્તારના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા દ્વારા પોતાના વિસ્તારના સર્વાંગી માળખાગત વિકાસ માટે એક મહત્વની સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬ના સમયગાળા દરમિયાન સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS) અંતર્ગત લોકસભા વિસ્તારની સ્થાનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીની સૌથી ઝડપી અને રેકોર્ડબ્રેક કામગીરી નોંધાઈ છે.
આ યોજના હેઠળ સાંસદોને પોતાના મતવિસ્તારમાં સ્થાનિક જરૂરિયાતોના આધારે વિકાસલક્ષી કામોની ભલામણ કરવાની સવલત આપવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ સ્થાનિક સ્તરે જાહેર સુવિધાઓ અને માળખાગત વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.
ચાલુ નાણાકીય વર્ષો (વર્ષ ૨૦૨૪-૨૫ અને ૨૦૨૫-૨૬) દરમિયાન સાંસદશ્રી ભરતભાઈ સુતરીયાની સક્રિયતાના કારણે અમરેલી લોકસભા વિસ્તારમાં સરકારી ગ્રાંટનો મહત્તમ અને સમયસર ઉપયોગ સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. આ બે વર્ષ દરમિયાન કુલ રૂ. ૯.૮૦ કરોડની ગ્રાંટ મળવાપાત્ર હતી, જેમાંથી તેમણે રેકોર્ડબ્રેક ૯૯.૯૦ ટકા જેટલી માતબર રકમ એટલે કે રૂ. ૯.૭૯ કરોડના વિવિધ પ્રગતિશીલ વિકાસકામોની દરખાસ્તો રજૂ કરી દીધી છે. આ અંતર્ગત સમગ્ર લોકસભા વિસ્તારમાં કુલ ૨૬૯ જેટલા નાના-મોટા લોકઉપયોગી વિકાસ કામોનો સમાવેશ થાય છે. તે પૈકી રૂ. ૯.૩૯ કરોડના ૨૬૩ વિકાસકામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે, જે દરખાસ્ત કરેલ રકમના અંદાજે ૯૫.૯૧ ટકા જેટલા થાય છે.
આ ઉપરાંત અત્યારસુધીમાં ૧૫૮ જેટલા વિકાસકાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યા છે, જેની પાછળ અંદાજે રૂ. ૫.૩૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ મંજૂર થયેલી રકમના ૫૬.૬૬ ટકા જેટલો થાય છે, જ્યારે બાકીના ૧૦૫ જેટલા કામો હાલ પ્રગતિ હેઠળ છે. જે મંજૂર કામો સામે અંદાજે ૩૯.૯૨ ટકા જેટલા થાય છે.
સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS)નો હેતુ સ્થાનિક સ્તરે જાહેર સુવિધાઓ અને માળખાગત વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. યોજના હેઠળ સાંસદશ્રી દ્વારા રસ્તા, શાળાઓ, આંગણવાડી, સમુદાય ભવન, આરોગ્ય સુવિધાઓ, પીવાના પાણીની સુવિધા,સ્ટ્રીટલાઈટ તથા અન્ય જાહેર ઉપયોગના કામોની ભલામણ કરવામાં આવે છે. આ ભલામણોના પરિણામે વિસ્તારમાં આધારીય સુવિધાઓમાં વધારો થવા પામ્યો છે તથા સ્થાનિક નાગરિકોને સીધો લાભ મળી રહ્યો છે તેમ અમરેલી જિલ્લા આયોજન અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

















Recent Comments