ગુજરાત લોહાણા સમાજ ફોરમના ઉપપ્રમુખ તેમજ સાવરકુંડલા લોહાણા મહાજનના ટ્રસ્ટી અને સાવરકુંડલા વેપારી મહામંડળ ના કાર્યકારી પ્રમુખ, અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોન-૪ ના ચેરમેન રાજુભાઈ શિંગાળાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માને પત્ર લખી આગામી તારીખ ૮ જૂનના રોજ યોજાનારી ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં રઘુવંશી લોહાણા સમાજ ને પ્રતિનિધિત્વ આપવા પ્રબળ માગણી વ્યક્ત કરી છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે ગુજરાતભરમાં અંદાજે ૨૫ લાખથી વધુ વસ્તી ધરાવતા રઘુવંશી લોહાણા સમાજે વર્ષોથી વેપાર, ઉદ્યોગ, સેવા, ટેકનોલોજી તેમજ આર્થિક વિકાસના ક્ષેત્રો માં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ વેપારી સાહસિક સમાજ તરીકે રઘુવંશી સમાજની આગવી ઓળખ અને પ્રતિષ્ઠા છે. વધુમાં તેમણે જણાવ્યું છે કે સમાજ ભૌગોલિક રીતે કોઈ એક વિસ્તારમાં કેન્દ્રિત ન હોવાથી તેની રાજકીય સંખ્યાશક્તિની પૂરતી નોંધ લેવામાં આવતી નથી, જેના કારણે સમાજમાં રાજકીય પ્રતિનિધિત્વ બાબતે લાગણી જોવા મળી રહી છે. હાલ ગુજરાત વિધાનસભામાં ભાજપ તરફથી માત્ર એક જ રઘુવંશી લોહાણા ધારાસભ્ય ચૂંટાયેલા છે, જે સમાજની વિશાળ વસ્તી સામે ખૂબ ઓછું પ્રતિનિધિત્વ ગણાય છે. રાજુભાઈ શિંગાળાએ પત્રમાં સ્પષ્ટપણે રજૂઆત કરી છે કે ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકો પૈકી એક બેઠક પર રઘુવંશી લોહાણા સમાજના યોગ્ય, લાયક અને સેવાભાવી આગેવાનને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવે તો સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં વસતા રઘુવંશી સમાજ માં ભાજપ પ્રત્યેનો વિશ્વાસ અને રાજકીય જોડાણ વધુ મજબૂત બનશે. સમાજ વર્ષોથી ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારા સાથે સક્રિય રીતે જોડાયેલો રહ્યો છે અને વિવિધ ચૂંટણીમાં ભાજપને સતત સમર્થન આપતો આવ્યો છે ત્યારે રાજ્યસભામાં સમાજને પ્રતિનિધિત્વ મળવું સમયની માંગ અને ન્યાયસંગત લાગણી હોવાનું તેમણે જણાવ્યું છે.
—
ગુજરાત રાજ્યસભાની આગામી ચાર બેઠકોની ચૂંટણીમાં રઘુવંશી લોહાણા સમાજ ને પ્રતિનિધિત્વ આપવા માગણી

















Recent Comments