અમરેલી જિલ્લામાં કોરોનાના લીધે મૃત્યુ પામેલ વ્યક્તિઓના ૨૯૫ વારસદારોને ૧.૪૭ કરોડ ચુકવાયા
તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા કોવિડ-૧૯ના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના વારસદારને રૂ. ૫૦,૦૦૦/- ની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને અમરેલી જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા સહાય ચુકવણીની કામગીરી પુરજોશમાં શરુ છે. ૧૩ ડિસેમ્બરના બપોરે ૪ વાગ્યાના અહેવાલ મુજબ અત્યાર સુધીમાં અમરેલી વહીવટી તંત્ર દ્વારા કોરોનાના લીધે મૃત્યુ પામેલ વ્યક્તિઓના ૨૯૫ વારસદારોને રૂ. ૫૦ હજાર મુજબ કુલ રૂ. ૧.૪૭ કરોડની ચુકવણી કરી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં વહીવટી તંત્રને કુલ ૬૪૨ અરજીઓ મળી છે જેમાંથી કુલ ૨૯૫ જેટલી અરજીઓને માન્ય રાખી ચુકવણું કરવામાં આવ્યું છે.
આ અંગે વાત કરતા મૃતકના વારસદાર શ્રી રવિભાઈ જણાવે છે કે ગત એપ્રિલ માસમાં કોરોનાના કારણે તેઓના પિતાશ્રીનું અવસાન થયું હતું. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરતા અમે સહાય માટે તાત્કાલિક અરજી કરી હતી. અરજી કર્યાના માત્ર અઠવાડિયાની અંદર જ અમને સહાયની રૂ. ૫૦,૦૦૦/- ની ચુકવણી કરવામાં આવી હતી.
અરજી કેવી રીતે કરવી?
કોવિડ-૧૯થી મૃતકના વારસદારોને ઘરેબેઠા ઝડપી અને સરળતાથી સહાય મળી રહે તે માટે મોબાઈલ ફ્રેન્ડલી ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. www.iora.gujarat.gov.in પોર્ટલના હોમપેજ ઉપર Covid-19 Ex-gratia payment પર ક્લિક કરવાથી આ મુજબની www.iora.gujarat.gov.in/Cov19_login.aspx લિંક પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.
ક્યાં ક્યાં દસ્તાવેજો જરૂરી?
પોર્ટલ ઉપર મોબાઇલ કે કોમ્પ્યુટરથી ઓટીપી જનરેટ કરી આરટીપીસીઆર, રેપીડ એન્ટીજન, મોલેક્યુલર ટેસ્ટ, કોવિડ-૧૯ની તબીબી સારવાર કે નિદાનના આધારની નકલ અથવા ફોર્મ-૪ / ફોર્મ-૪-એ પૈકી કોઈ પણ એક પુરાવો અપલોડ કરી અરજી કરવાની રહેશે. આ સિવાય જે મૃતકના મરણ પ્રમાણપત્રની નકલ, વારસદારોનું સોગંધનામુ અને સહાય મેળવનાર વારસદારની બેંક પાસબુક અથવા ક્રોસ ચેકની નકલ અપલોડ કરવાની રહેશે. આ સિવાય સબંધિત મામલતદાર કચેરી કે જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે રૂબરૂ અરજી પહોંચાડીને પણ અરજી કરી શકાશે. આ પોર્ટલ ઉપર ઓનલાઇન અરજી કરવા બાબતે જરૂરી માર્ગદર્શન મેળવવા હેલ્પલાઇન નં. ૧૦૭૭ અને સ્ટેટ કંટ્રોલરૂમ નં. ૦૭૯-૨૩૨૫૧૯૦૦ ઉપર સંપર્ક કરી શકાશે.
Recent Comments