ઉત્તર પ્રદેશના ર્ધમાંતરણ કેસની તપાસમાં વડોદરાની આફમી ટ્રસ્ટના સલાઉદીનની સંડોવણી ખુલી હતી. વડોદરા એસઓજીના અધિકારીઓના મતે પોલીસ તપાસમાં મોહંમદ ઉમર ધનરાજસિંઘ ગૌતમના જમ્મુ-કાશ્મીરના સંપર્કો પણ મળી આવ્યા હતા. જે સંપર્કમાં પોલીસ તપાસમાં મોહંમદ જસરથખાન મોહંમદ અશરફખાન (રહે.જમ્મુ)નું નામ ખૂલ્યું હતું. જમ્મુ પોલીસને આ અંગે જાણ કરાતાં જમ્મુ જિલ્લાના પીરમીઠા પોલીસ સ્ટેશનમાં ઉપરોક્ત આરોપી વિરુદ્ધ આઈટી એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હોવાનું બહાર આવ્યું હતું.
જેથી ઉમર ગૌતમ પહેલેથી જ દેશ વિરોધી ષડ્યંત્રો રચનારા લોકોના સંપર્કમાં હોવાનું ફલિત થયું છે. વડોદરા ડીસીપી પોલીસ સ્ટેશનમાં ૨૪ ઓગસ્ટ,૨૦૨૧ના રોજ આફમી ટ્રસ્ટના સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ અને મોહંમદ ઉમર ગૌતમ વિરુદ્ધ ધર્મ પરિવર્તન અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ૨૩ નવેમ્બર, ૨૦૨૧ના રોજ ચાર્જશીટ કરવામાં આવી છે. ચાર્જશીટ બાદ તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા ૨ આરોપી સાજીદ અહેમદ પટેલ (રહે.આછોદ, ભરૂચ) અને યુસુફ વલીહસન પટેલ (રહે. આમોદ ગામ, ભરૂચ)ની ધરપકડ કરવામાં આવી હતી.
જ્યારે આ ગુનામાં અબ્દુલ આદમ પટેલ ઉર્ફે અબ્દુલ્લા આદમભાઈ ફેફરાવાલા અને મુસ્તુફાસૈફ સૈફુદ્દીન થાનાવાલાની ધરપકડ કરવાની બાકી હોવાથી તેમની સામે કોર્ટમાંથી સીઆરપીસી કલમ ૭ મુજબનું વોરંટ મેળવીને એલઓસી તેમજ રેડ કોર્નર નોટિસની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ કેસમાં આઈપીસી કલમ ૧૨૧ (ક) દેશ વિરોધી કાવતરું રચવા તેમજ ૨૯૫ (ક) ધર્મના લોકોનું અપમાન કરવાના ઈરાદાથી ધર્મસ્થાનને અપવિત્ર કરવું કે નુકસાન કરવાની કલમોનો ઉમેરો કર્યો છે. આ બંને કલમોમાં આરોપીને આજીવન કેદથી માંડી ૧૦ વર્ષ સુધીની સજા થઈ શકે છે.વડોદરા શહેરમાં આવેલા આફમી ટ્રસ્ટના સંચાલક સલાઉદ્દીન જૈનુદ્દીન શેખ અને ઉમર ગૌતમ દ્વારા એફસીઆરએ અને હવાલાથી મેળવેલા કરોડો રૂપિયાનો ઉપયોગ ધર્મ પરિવર્તન ઉપરાંત દેશ વિરોધી કાવતરું રચવા માટે કર્યો હોવાની શંકાના આધારે આ કેસમાં ઈડી દ્વારા પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ આફમી ટ્રસ્ટ દ્વારા કરાયેલા નાણાકીય વ્યવહારોની તપાસ હાથ ધરાઈ છે.
Recent Comments