ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા જ સમગ્ર ગુજરાતમાં ભાજપ સમર્થકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. ગુજરાતના ૬૦ વર્ષના ઇતિહાસની સૌથી મોટી જીત મેળવનાર પાર્ટી તરીકે ભાજપ સામે આવી છે. કુલ ૧૮૨ પૈકી ૧૭૨ બેઠકોના જાહેર થયેલા પરિણામોમાં ૧૪૭ બેઠકો ભાજપે કબજે કરી છે, તો ૦૯ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ માત્ર ૧૬ બેઠકોમાં સમાઈ ગઈ છે, તો ૦૧ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો બાજી મારતા જાેવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ફાળે ૦૫, સમાજવાદી પાર્ટીના ફાળે ૦૧ અને અપક્ષના ૦૩ ઉમેદવારો જીત્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાની તમામ પાંચ બેઠકો ભાજપ પોતાની પાસે રાખવામાં સફળ થયું છે. ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ૧૮૨ બેઠકો માટે બે તબક્કામાં યોજાયેલ ચૂંટણીના પરિણામો જાહેર થવાના દિવસે સાંજ સુધી ૧૭૨ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું છે.
જેમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મતદારોના ૫૨.૫% મત મેળવી સૌથી મોખરે રહી છે. આ વિધાનસભાની જીત ગુજરાતના ઇતિહાસમાં આ સૌથી મોટી જીત ગણાશે. કોંગ્રેસ ૨૭.૩% અને ગુજરાતમાં પહેલી વખત ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી ૧૨.૯% મત મેળવવા સફળ રહી છે. પંચમહાલ જિલ્લાની પાંચ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે, અહીં ભાજપ તમામ બેઠકો સાચવી રાખવામાં સફળ રહ્યું છે. જિલ્લા કે કદાચ રાજ્યમાં સૌથી વધુ ઐતિહાસિક અંતરથી અહીં ભાજપના ઉમેદવાર જીત્યા છે. કાલોલ-૧૨૭ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ તેઓના નજીકના કોંગ્રેસના હરીફ પ્રભાતસિંહ ચૌહાણ સામે ૧,૧૨,૫૦૬ના લાંબા અંતરથી જીત્યા છે. ફતેસિંહ ચૌહાણને ૭૫.૩% મત મળ્યા તો કોંગ્રેસના પ્રભાતસિંહને ૧૩.૯૭% મત મળ્યા હતા. ૧૧ ઉમેદવારો વચ્ચેના જંગમાં આપના ઉમેદવાર દિનેશ બારીઆ ૪.૫૯% મત મેળવ્યા હતા, તો નોટામાં ૨.૦૯% મતદાન થયું હતું.
Recent Comments