સાડાપાંચ ફૂટ દેશી પ્રજાતિની દૂધી સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મધ્યપ્રદેશના ખેડૂત મળવા માટે પહોંચ્યા હતા. હોશંગાબાદ જિલ્લાના બનખેડી તાલુકાના ગરધા ગામના માનસિંહ ગુર્જરે તાજેતરમાં રાજભવન ખાતે આવ્યા હતા. તેમણે પોતે વિકસાવેલી સાડા પાંચ ફૂટ લાંબી દેશી પ્રજાતિની દુધીની સાથે તેમણે વિકસાવેલાં અને સાચવેલાં વિવિધ દેશી બીજ તેમજ વિવિધ કૃષિ ઉત્પાદનોના નમૂના પ્રસ્તુત કર્યા હતા. તેઓ એકલા હાથે ૬૦૦ પ્રજાતિના દેશી બીજનું જતન-સંવર્ધન કરતાં હોવાનું જણાવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ અને દેશીબીજના જતન-સંવર્ધનની તેમની લગન અને મહેનતથી પ્રભાવિત થઇને રાજ્યપાલે તેમને ૫૧ હજાર રૂપિયાનો ચેક પુરસ્કાર સ્વરૂપે અર્પણ કર્યો હતો.
જેને લઈને માનસિંહભાઇ જણાવ્યું હતું કે, ‘મારી મહેનત રંગ લાવી છે, દેશી બીજના વાવેતર સાથે છેલ્લાં પંદર વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું, રાજ્યપાલના હસ્તે પુરસ્કાર મેળવીને હું ધન્યતા અનુભવું છું. માનસિંહભાઇ દાવો કર્યો હતો કે,‘પંદર વર્ષના હતા ત્યારથી દેશીબીજનું જતન-સંવર્ધન કરે છે. તેમની પાસે ચોખાની લગભગ ૨૩૦ દેશી જાત, ઘઉંની ૧૦૮ જાત અને જુદાં જુદાં શાકભાજીના ૧૫૦ જાતના દેશીબીજનો સંગ્રહ છે. ૧૫ એકરના ખેતરમાંથી બે એકર જમીનમાં દેશીબીજનું પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવેતર કરી બીજ નિર્માણ કરે છે. અન્ય ખેડૂતોને પણ વિનામૂલ્યે આપુ છે, વાવેતર માટે આપેલાં એક કિલો દેશી બીજના બદલાંમાં ઉત્પાદન બાદ દોઢ-બે કિલો બીજ ખેડૂત પાસેથી પાછા મેળવું છે. જેથી સંગ્રહમાં વૃદ્ધિ થતી જાય છે.’
માનસિંહભાઇએ દેશી બીજની જાળવણી ઉપરાંત કેટલીક જાત પોતે પણ વિકસાવી છે. તેઓ સફેદ કારેલા, લાલ ભીંડી, કાળાં મરચાં, જાંબલી વાલોળ જેવા પ્રાકૃતિક કૃષિની મદદથી મેળવેલા ઉત્પાદનો પણ સાથે લાવ્યા હતા. પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી વાવેતર કરીને તેઓ સાત ફૂટ લાંબી દુધી, ૨૨ કિલોની દુધી, ૩૦ કિલોનું તડબૂચ, સાડા ત્રણ ફૂટ લાંબા ગલકાં-તૂરિયા, ત્રણ કિલો વજનનું રીંગણ તેઓ ઉગાડે છે. પ્રાકૃતિક કૃષિથી મેળવેલી શેરડીનો સાંઠો ૧૭થી ૧૮ ફૂટ ઉંચાઇ ધરાવે છે. જેનું વજન પણ રાસાયણિક કૃષિ કરતા બમણું હોય છે.


















Recent Comments