fbpx
ગુજરાત

ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીની ઘરમાં જ હત્યા

મૂળ કર્ણાટકના અને વર્ષોથી અમદાવાદમાં રહેતા દયાનંદ સુખરાવ શાનબાગ તથા તેમના પત્ની વિદ્યાલક્ષ્મી દયાનંદ શાનબાગ ઘટના સમયે ઘરમાં એકલા જ હતા. તેઓ છેલ્લા કેટલાક સમયથી રન્નાપાર્ક પાસે આવેલા પારસમણી ફ્લેટમાં રહેતા હતા. તેમનો પુત્ર અડાલજમાં પરિવાર સાથે રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે.લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે મૃતક મહિલા વિદ્યાલક્ષ્મીના કાનમાં રહેલી સોનાની બુટ્ટીઓ એમની એમ જ હતી, જ્યારે ઘરમાં તિજાેરી અને કબાટ અસ્તવ્યસ્ત હાલતમાં હતા. હવે કઈ વસ્તુઓની ચોરી થઈ છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જે પારસમણી ફ્લેટમાં હત્યાની ઘટના બની છે ત્યાં સીસીટીવી ના હોવાથી અન્ય રેસિડેન્સીમાં તેની ચકાસણી કરવામાં આવી રહી છે. ઘાટલોડિયામાં વૃદ્ધ દંપતીની હત્યાની હચમચાવી દેનારી ઘટના દિવાળી ટાળે બનતા લોકો ભયનો માહોલ ફેલાયો છે. આવામાં શહેરમાં એકલા રહેતા વૃદ્ધો માટે સલામતીનું જાેખમ હોવાનું પુરવાર થયું છે. ૯૦ વર્ષના દયાનંદ શાનબાગ અને ૮૦ વર્ષના તેમના પત્ની વિદ્યાલક્ષ્મી સાથે નિવૃત્ત જીવન વિચાવી રહ્યા છે. આવામાં ધનતેરસના દિવસે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને તેમની ઘાતકી હત્યા કરાઈ હોવાની ઘટનાથી સનસનાટી મચી ગઈ છે. કિરણ શાનબાગની દીકરી દાદા-દાદી સાથે રહેતી હતી પરંતુ જ્યારે તે કોઈ કામથી બહાર ગઈ હતી ત્યારે આ ઘટના બની હોવાનું માનવામાં આવી રહ્યું છે. પૌત્રી બહાર ગઈ હોવાથી ઘરે દંપતી એકલા હતા, આ દરમિયાન જ્યારે ઘરે દવાનું પાર્સલ લઈને ડિલિવરી બોય આવ્યો ત્યારે કોઈ દરવાજાે ખોલતું નહોતું. આ પછી ડિલિવરી બોયે પાડોશીને જણાવ્યું કે પોતે દવા લઈને આવ્યો છે અને કોઈ ઘર ખોલતું નથી. આ પછી પાડોશીઓએ પણ વારંવાર બેલ વગાડ્યો અને દરવાજાે ખખડાવ્યો હતો પરંતુ કોઈ દરવાજાે ખોલતું નહોતું, જેથી પાડોશી મહિલાએ દરવાજાને ધક્કો મારવામાં આવ્યો તો તે ખુલી ગયો હતો. દરવાજાે ખુલી ગયા બાદ પાડોશી મહિલા અને ડિલિવરી બોય ઘરની અંદર ગયા તો તેમના રુવાડા ઉભા થઈ ગયા હતા. કારણ કે અંદર વૃદ્ધ દંપતીની લોહીલુહાણ હાલતમાં લાશ પડેલી હતી અને ઘરનો સામાન વેરવિખેર થયેલો હતો. લાશ જાેઈને અંદર ગયેલી મહિલાએ ચીસાચીસ કરતા અન્ય આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. આ પછી તાત્કાલિક ૧૦૮ અને પોલીસને બનાવ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપનીની એકલતાનો લાભ લઈને ઘરમાં ઘૂસેલા શખ્સોએ હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટના ગંભીર હોવાથી આમાં સ્થાનિક પોલીસ દ્વારા પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એફએસએલની અને ડોગ સ્ક્વોડની ટીમની મદદ લેવામાં આવી છે.

Follow Me:

Related Posts