fbpx
અમરેલી

ભુરખિયા હનુમાન મંદિર ખાતે થઇ રહેલા વિકાસ કાર્યો પૂર્ણતાના આરે

કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં આજે જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાંથી થયેલા ખર્ચની વિગતો મેળવી થઇ રહેલા લાઠીના ભુરખિયા હનુમાન ખાતે થઇ રહેલા વિકાસ કામોની ચર્ચા કરી હતી.

કલેક્ટરશ્રીએ ભુરખિયા ખાતેના કામો માટે નિમાયેલા આર્કિટેક્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્લાન અને ડિઝાઈનની સમીક્ષા કરી હતી. હાલ આ કામો અંદાજે ૮૫% જેટલા પૂર્ણ થયા છે. કલેક્ટરશ્રીએ હાલ ચાલુ કામોની સમયાંતરે આકસ્મિક તપાસ કરવા અને કામોમાં વપરાતી ચીજવસ્તુઓની ગુણવતાની ચકાસણી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત ટૂંકસમયમાં સબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ સાથે સ્થળની મુલાકાત લેવા ઈચ્છા વ્યક્ત કરી હતી.

ભુરખીયાની સાથે સાથે અમરેલી શહેરના આભૂષણ સમાન રાજમહેલ, નાના ભંડારીયાના અંબાજી માતાના મંદિર, બગસરાના સુડાવડના ખોડિયાર મંદિર, વાડિયાના હનુમાન ખીજડીયા નજીકના હૈડા ડુંગર, રાજુલાના પીપાવાવના રણછોડરાયજી મંદિર, બાબરાના ગરણીના ગરણેશ્વર મહાદેવ મંદિર અને સાવરકુંડલાના મિતીયાળાનો પ્રવાસન ક્ષેત્રે વધુ વિકાસ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુંમરએ રજુઆત કરતા જણાવ્યું હતું કે ભુરખિયા એક પ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી લાંબા રૂટની એસ.ટી. બસોની ફ્રિકવન્સી વધશે તો મહાનગરોમાંથી પણ બહોળા પ્રમાણમાં પ્રવાસીઓ આવતા થશે. આ ઉપરાંત ધારાસભ્યશ્રીએ ભુરખીયાની સાથે સાથે બાબરામાં પણ વિવિધ યાત્રાધામોનો વિકાસ કરવા વિગતવાર ચર્ચા કરી હતી.

નોંધનીય છે કે ભુરખિયા મંદિરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા ૨.૧૧ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી. મંદિરની સામે ૧.૭૭ કરોડના ખર્ચે બગીચો અને ૩૨ લાખના ખર્ચે પુલ બનાવવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે. ૭૨૮૨ ચો.મી. બગીચાની ડિઝાઇન ‘ગદા’ આકારની બનાવવાની કામગીરી હાલ પૂર્ણતાના આરે છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, નિવાસી અધિક કલેકટરશ્રી, ભુરખિયા હનુમાન ટ્રસ્ટના અગ્રણીઓ, આર્કિટેક્ટ એજન્સી, રાજ્ય અને પંચાયતના માર્ગ અને મકાન વિભાગ, વન વિભાગ તેમજ ગ્રામ વિકાસ એજન્સીના અધિકારી કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts