fbpx
રાષ્ટ્રીય

વિદેશ મંત્રી એસ જયશંકરે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી

ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના પ્રવાસે છે. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત-રશિયા દ્વિપક્ષીય વેપાર ૫૦ બિલિયન યુએસ ડોલરથી વધુ થઈ ગયો છે. આ સાથે જ તેમણે બંને દેશો વચ્ચે વિકાસની સંભાવના અને વેપાર સંબંધોને વધુ ટકાઉ રાખવા પર ભાર મૂક્યો છે. આ સાથે જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને આવતા વર્ષે રશિયા આવવાનું આમંત્રણ આપ્યું છે.

તેમણે કહ્યું કે તેઓ તેમના મિત્ર વડાપ્રધાન મોદીને રશિયામાં જાેઈને ખુશ થશે. સહકારના મુખ્ય પાસાઓ પર ચર્ચા કરતી વખતે વિદેશ મંત્રીએ કુડનકુલમ પ્રોજેક્ટ સંબંધિત મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કરવા પર ભાર મૂક્યો હતો. પરમાણુ ક્ષેત્ર પર પણ ચર્ચા કરવામાં આવી છે. તેઓએ પરમાણુ ઇંધણ પુરવઠા પરના મહત્વપૂર્ણ કરારને અંતિમ સ્વરૂપ આપવાની પુષ્ટિ કરી, જે પરમાણુ ક્ષેત્રમાં ભારત-રશિયા સહકારમાં પ્રગતિ દર્શાવે છે. જયશંકર રશિયાની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે છે. તેઓ તેમના રશિયન સમકક્ષ સેર્ગેઈ લવરોવને પણ મળ્યા હતા.બેઠક દરમિયાન જયશંકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી રાષ્ટ્રપતિ પુતિનને અંગત રીતે શુભેચ્છા પાઠવી હતી.

તેમણે કહ્યું કે પીએમ મોદીએ સહયોગની સ્થિતિ અને તાજેતરની પ્રગતિ પર પોતાના વિચારો વ્યક્ત કરતો પત્ર મોકલ્યો છે, જે હું તમને આપીશ. રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણનો જવાબ આપતા વિદેશ મંત્રીએ કહ્યું કે પીએમ મોદી ચોક્કસપણે આવતા વર્ષે રશિયાની મુલાકાત લેવા આતુર છે અને મને ખાતરી છે કે અમે બંને દેશોના રાજકીય કેલેન્ડરમાંથી પરસ્પર અનુકૂળ તારીખ શોધીશું.તેમની રશિયાની બે દિવસીય મુલાકાત દરમિયાન થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં વિદેશ મંત્રી જયશંકરે રાષ્ટ્રપતિ પુતિનને જણાવ્યું કે નાયબ વડા પ્રધાન ડેનિસ માન્તુરોવ અને વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવ સાથે ચર્ચા થઈ હતી.રશિયાના રાષ્ટ્રપતિ સાથેની તેમની મુલાકાત પછી, વિદેશ મંત્રી જયશંકરે ટિ્‌વટર પર કહ્યું કે તેઓ ભારત-રશિયા સંબંધોના વધુ વિકાસ માટે પુતિનના માર્ગદર્શનની પ્રશંસા કરે છે.

આજે સાંજે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળીને હું સન્માનિત છું. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી ભારત અને રશિયા વચ્ચે એકાંતરે ૨૧ વાર્ષિક સમિટ યોજાઈ ચૂકી છે. છેલ્લી સમિટ ડિસેમ્બર ૨૦૨૧માં દિલ્હીમાં યોજાઈ હતી. પુતિનનું કહેવું છે કે ક્રૂડ ઓઈલ અને હાઈ ટેક્નોલોજી સેક્ટરને કારણે રશિયા અને ભારત વચ્ચે ટ્રેડ ટર્નઓવર વધી રહ્યું છે.

Follow Me:

Related Posts