ગ્રામીણ અને વંચિત વિસ્તારમાં મહિલાઓના સર્વાંગી વિકાસ અને સ્વાસ્થ્યની ચિંતા કરી અને દેશના વડાપ્રધાનશ્રી, નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY)નો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ યોજના હેઠળ મહિલાઓને એલજીપી કનેક્શન આપવામાં આવ્યા છે જેના દ્વારા મહિલાઓ લાકડાં, કોલસો કે ગોબરનો ઉપયોગ કર્યા વગર રસોઈ કરી શકે છે. આ કડીના ભાગરૂપે બુધવારે અમરેલી તાલુકાના શેડુભાર ગામે અમરેલી-વડિયા-કુંકાવાવ મતવિસ્તારના ઘારાસભ્યશ્રી અને ગુજરાત વિધાસનભાના નાયબ મુખ્યદંડકશ્રી, કોશિકભાઈ વેકરીયાના હસ્તે ૨૪ મહિલાઓને ઉજ્જવલા યોજના હેઠળ ગેસના બાટલા, ચુલ્લા અને ગેસ પાઇપનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નાયબમુખ્યદંડકશ્રીએ જણાવ્યું હતું કે, દેશમાં સામાન્ય અને ગરીબ પરિવારોની મહિલાઓને પહેલીવાર ગેસના બાટલાઓ વિતરણ કરવાનો વિચાર પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો. વડાપ્રધાનશ્રીએ મહિલાઓના સ્વાસ્થ્યની ચિંતા કરી તેમને પારંપારિક ઈંઘણથી કાર્યરત ચુલ્લાઓના વપરાશમાંથી મુક્તિ અપાવી. અગાઉ આ વ્યવસ્થાના લીધે મહિલાઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થતી હતી. આજે આ ગેસના ચુલ્લાઓ અને બાટલા મળતા શેડુભારના પરિવારોમાં દીવાળી જેવો માહોલ સરકારની યોજનાઓના કારણે આવ્યો છે. શેડુભારમાં અત્યારસુધીમાં ૧૭૫ કરતાં વધુ પરિવારોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મળ્યો છે ત્યારે ગામના સક્રિય સરપંચ સહિતના આગેવાનોને પણ નાયબ મુખ્યદંડકશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા અને દીવાળીની શુભેચ્છાઓ આપી હતી. આ પ્રસંગે નાયબમુખ્ય દંડકશ્રીએ ગ્રામજનોને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી કિશોરભાઈ કાનપરીયા, જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેનશ્રી, પ્રવિણભાઈ માંગરોળીયા, તાલુકા પંચાયતની કારોબારી સમિતિના ચેરમેનશ્રી, દેસાઈ, ગામના સરપંચશ્રી કુંભાણી, બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments