મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર નાગરિકોને કેન્સર જેવી ગંભીર બીમારીઓ સામે શ્રેષ્ઠ અને અદ્યતન સારવાર પૂરી પાડવા માટે સતત કટિબદ્ધ છે.
GLOBOCAN-૨૦૨૨ના રિપોર્ટ મુજબ, ભારતમાં દર વર્ષે અંદાજે ૧.૧૨ લાખથી વધુ નવા ફેફસાના કેન્સરના કેસ નોંધાય છે અને ૯૮ હજારથી વધુ નાગરિકોના મૃત્યુ થાય છે. જ્યારે વૈશ્વિક સ્તરે દર વર્ષે અંદાજે ૨૬ લાખથી વધુ નવા કેસ અને ૧૮ લાખથી વધુ દર્દીઓના મૃત્યુ નોંધાય છે, જે ફેફસાના કેન્સરને વિશ્વનું સૌથી વધુ મૃત્યુકારક કેન્સર બનાવે છે
‘ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – GCRI’, અમદાવાદ ખાતે છેલ્લા પાંચ વર્ષમાં ફેફસાના કેન્સરના કેસોમાં સતત વધારો નોંધાયો છે. GCRI દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૧માં ૮૧૩, ૨૦૨૨માં ૮૬૫, ૨૦૨૩માં ૯૩૩, ૨૦૨૪માં ૧,૦૮૬ અને ૨૦૨૫માં ૧,૧૩૩ મળીને કુલ ૪,૮૩૦ દર્દીઓ ફેફસાના કેન્સરથી પીડિત નોંધાયા છે. જેમાં ૩,૯૩૧ (૮૧.૪%) પુરુષો અને ૮૯૯ (૧૮.૬%) મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.
ફેફસાના કેન્સર માટે બીડી, સિગારેટ તથા તમાકુનું સેવન, પરોક્ષ ધૂમ્રપાન -Passive Smoking, હવાનું પ્રદૂષણ તેમજ ઔદ્યોગિક રસાયણો અને એસ્બેસ્ટોસ જેવા પદાર્થોના લાંબા સમય સુધી સંપર્કમાં આવવું એ મુખ્ય જોખમકારક પરિબળો છે. જો લાંબા સમય સુધી ચાલતી ઉધરસ, ઉધરસમાં લોહી પડવું, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, અવાજમાં ફેરફાર થવો કે અચાનક વજન ઘટવું જેવા લક્ષણો જણાય, તો તેને સામાન્ય ગણીને અવગણવા નહીં અને એ તકલીફની તાત્કાલિક તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી છે.
GCRI ખાતે ઉપલબ્ધ અદ્યતન સારવાર સુવિધાઓ
વર્ષ-૧૯૭૨માં સ્થાપિત ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ -GCRI ખાતે ફેફસાના કેન્સરના દર્દીઓ માટે રોબોટિક સર્જરી, PET-CT, 3 Tesla MRI, 128 CT Scan, બ્રોન્કોસ્કોપી તેમજ CyberKnife, TrueBeam અને TomoTherapy જેવી અદ્યતન રેડિયેશન સારવાર ઉપલબ્ધ છે. આ ઉપરાંત કિમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી જેવી સુવિધાઓ PMJAY-MA જેવી સરકારી યોજનાઓ હેઠળ દર્દીઓને નિઃશુલ્ક અથવા રાહત દરે પૂરી પાડવામાં આવે છે.
વિશ્વભરમાં કેન્સરના કારણે થતા મૃત્યુમાં ફેફસાનું કેન્સર સૌથી મોટું કારણ છે. શરૂઆતના તબક્કામાં તેના લક્ષણો સામાન્ય જણાતા હોવાથી મોટાભાગના દર્દીઓમાં રોગનું નિદાન મોડું થાય છે. પરંતુ યોગ્ય જાગૃતિ, તમાકુનો સંપૂર્ણ ત્યાગ, સમયસર તપાસ અને અદ્યતન સારવાર દ્વારા દર્દીઓનું જીવન બચાવવાની સંભાવના નોંધપાત્ર રીતે વધારી શકાય છે.
નાગરિકોને ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) દ્વારા જનજાગૃતિ માટે “તમાકુ છોડો, ફેફસાં બચાવો – સમયસર તપાસ કરાવો, જીવન બચાવો”નો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે.















Recent Comments