અમરેલી વિધાનસભા વિસ્તારમાં વિવિઘ રસ્તાના સ્ટ્રકચરના કામો માટે 13 કરોડ 55 લાખ રૂપિયા મંજૂર કરાવતા ધારાસભ્ય કૌશિક વેકરિયા

અમરેલી વિધાનસભાના અમરેલી અને કુંકાવાવ તાલુકાના વિવિધ ગામોના રસ્તાના અલગ અલગ કામો જેવા કે, સ્લેબ ડ્રેઇન, પાઇપ કલ્વર્ટ અને કોઝવેના વિવિધ કામો મંજૂર કરાવવા માટે ધારાસભ્યશ્રીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને આગ્રહપૂર્વક રજૂઆત કરી હતી. જેને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વીકાર થતાં કુલ રૂપિયા 13 કરોડ 55 લાખ જેવી માતબર રકમના 28 જેટલાં સ્ટ્રકચરના કામોને મંજૂરી મળી છે. આ કામોમાં અમરેલી તાલુકાના ચાડિયા-લાપાળિયા રોડના લાપાળિયા, શંભુપુરા, કેરિયાચાડ, સાજિયાવદરને લાભકર્તા સ્લેબ ડ્રેઇન અને પાઈપ કલ્વર્ટના કામો માટે 3 કરોડ 50 લાખ, જાળિયા-કેરાળા-હડાળા રોડના જાળિયા, કેરાળા હડાળા અને ખારી ખીજડિયા જેવા ગામોને લાભકર્તા પાઈપ કલ્વર્ટ અને સ્લેબ ડ્રેઇનના રૂપિયા 6 કરોડ 55 લાખના કામો તથા કુંકાવાવ તાલુકાના વાવડી ચોકી – લખાપાદર -ઇશ્વરિયા રોડના વાવડીરોડ , સનાળા, લખાપાદર, ઇશ્વરિયા અને ભાયાવદર જેવા ગામોને લાભકર્તા કોઝવેના કામ માટે રૂપિયા 2 કરોડ 80 લાખના કામને તથા અનીડા – ખજૂરી -મેઘા પીપળીયા રોડના સ્લેબ ડ્રેઇનના રૂપિયા 70 લાખના કામને મંજૂરી મળેલ છે આમ અમરેલી અને કુંકાવાવ તાલુકાના કુલ 11 ગામોના 28 જેટલા કામો માટે રૂપિયા 13 કરોડ 55 લાખ જેવી માતબર રકમ મંજૂર થતા આગામી દિવસોમાં આ કામોનો આરંભ થશે. જેથી આ વિસ્તારની ગ્રામ્ય પ્રજાને એનો સીધો જ લાભ મળી રહેશે.
Recent Comments