ગુજરાતની વિકાસ યાત્રામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૪ વર્ષ પૂર્ણ થયા છે, વડાપ્રધાનશ્રીએ આગવા વિઝન સાથે વિકાસની જોડે વિરાસતના જતનની નવી પરિપાટી કંડારી છે.
વડાપ્રધાનશ્રીની “વિકાસ ભી, વિરાસત ભી” નેમને ગુજરાત સરકારે અનુસરીને ગૌરવરૂપ વિરાસતના સ્થળોના વિકાસ માટે નવા આયામો શરૂ કર્યા છે. અમરેલી શહેરના મધ્યમાં શોભાયમાન રાજમહેલનું અંદાજે રૂ.૨૫ કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધર્યું છે. જેનું ૬૫ ટકા જેટલું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.
આ ઐતિહાસિક રાજમહેલનું કામ પૂર્ણ થયા બાદ, તેની કાયમી જાળવણી થઈ શકે તે માટે હેરિટેજ હોટલ અને સંગ્રહાલય તરીકે વિકસાવાનું પણ ગુજરાત પ્રવાસન નિગમનું આયોજન છે. જેથી અમરેલી તથા દેશ વિદેશના પ્રવાસીઓને ભવ્ય વારસાની ઝાંખી કરાવતું મનમોહક નજરાણું મળી રહેશે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રીનોવેશન એન્ડ રીડેવલપમેન્ટ ઓફ પેલેસ (રાજમહેલ) અમરેલી પ્રોજેક્ટ હેઠળ ઇમારતના અંદરના ભાગ તથા બહારના ભાગમાં ડ્રાય-ક્લિનિંગ, છતના વોટર-પ્રૂફિંગ, ચુનાના પથ્થરના ઉપયોગથી હયાત ઇમારતના મજબૂતીકરણ, ઝીકી પ્લાસ્ટરની મદદથી હયાત ઇમારતના રીપેરીંગ, ઇમારતને રાત્રી સુશોભન માટે લાઈટીંગની કામગીરીનો સમાવેશ થાય છે.
આ પ્રોજેક્ટમાં રાજ મહેલને હેરિટેજ હોટલમાં તબદીલ કરવાની કામગીરીની સાથે લાકડાની છત, પાર્કિંગની સુવિધા અને ગાર્ડન એરિયા પણ વિકસાવવામાં આવશે.
આ ઐતિહાસિક રાજમહેલના પુનઃસ્થાપનની કામગીરીમાં રોકાયેલા શ્રી સૌવિક ઘોષ જણાવે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની સાથે વિરાસતને જોડી છે, તેમણે વિરાસતને પ્રેરણાસ્ત્રોતરૂપ ગણી, તેમાં પ્રવાસન વિકાસનો નવો આયામ જોડ્યો છે. હાલમાં આ રાજમહેલના પુનઃસ્થાપનની ૬૫ ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, આ નવીનીકરણની કામગીરીમાં ખાસ રાજમહેલની જે દાયકાઓ પહેલા જાહોજલાલી હતી તે જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તા.૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ રાજમહેલના પુનઃ નિર્માણના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું.
૧૮૯૨માં નિર્મિત આ રાજમહેલમાં એક સમયે લોક દરબાર ભરાતો હતો, આઝાદી બાદ જિલ્લા સેવાસદન એટલે કે કલેક્ટર કચેરી અહીંયા કાર્યરત રહી હતી. રાજમહેલનાં પ્રાંગણમાં મહારાજા સયાજીરાવની કાંસ્ય પ્રતિમા ૫ણ જોવા મળે છે. આમ, ગાયકવાડી શાસનનો પુરાવો આપતો આ રાજમહેલ ફરી તેનો નવો વૈભવ પામવા જઈ રહ્યો છે.















Recent Comments