ગુજરાત

સિદ્ધપુરના ૪ વેપારીઓએ ખેરાલુના ૯ વેપારી જાેડે ૯૬ લાખની છેતરપિંડી આચરી

ખેરાલુ એપીએમસી માર્કેટયાર્ડમાં કેટલીક પેઢીના નવ વેપારીઓ પાસેથી સિદ્ધપુરના ચાર વેપારીઓએ વિશ્વાસ કેળવી માલસામાન ખરીદી લાખો રૂપિયાનો ચૂનો લગાવી રફુચક્કર થયાની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકે નોંધાઈ છે. ખેરાલુ એપીએમસી ખાતે જુલાઈ ૨૦૨૧માં ભરત શર્મા, હરેશ શર્મા, હાર્દિક શર્મા અને ધર્મેશ શર્મા નામના ઈસમોએ સિદ્ધપુર ખાતે પ્રભાત ટ્રેડિંગ નામની પેઢી ચાલુ કરી હતી. જ્યાં સિદ્ધપુરના આ ચાર ઈસમોએ ખેરાલુ એપીએમસી ખાતે આવેલી ડાહ્યાભાઈ ચૌધરીની પેઢી અને અન્ય પેઢીઓમાંથી જાહેર હરાજીમાં કપાસ અને એરંડા તથા ગવાર, બાજરી વગેરેની ખરીદી કરી પેઢીઓનો વિશ્વાસ કેળવી થોડા દિવસમાં નાણા પરત આપ્યાં હતાં.

જાે કે ફરીથી આ જ ઈસમોએ જાન્યુઆરી મહિનામાં ખેરાલુ એપીએમસી ખાતે આવેલી ડાહ્યાભાઈ ચૌધરીની પેઢી પરથી રૂ. ૧૨ હજાર ૨૪૪, રાજપૂત અશ્વિન સિંહની પેઢીમાંથી રૂ. ૨૭ લાખ ૮૭ હજાર ૩૩૩, ચૌધરી બાબુભાઇની પેઢીમાંથી રૂ. ૩૨ લાખ ૪૬ હજાર ૬૧૯, ભગવતી એન્ટરપ્રાઈઝમાંથી રૂ. ૧૫ લાખ ૪૧ હજાર ૦૨૩, શ્રી રામ ટ્રેડર્સમાંથી રૂ. ૨ લાખ ૨૯ હજાર ૭૮૮, આશા ટ્રેડિંગમાંથી રૂ. ૫ લાખ ૭૪ હજાર ૬૨૪, પ્રજાપતિ ટ્રેડિંગમાંથી રૂ. ૫૪ હજાર ૧૮૫, અંબિકા ટ્રેડિંગમાંથી રૂ. ૬૭ હજાર ૬૫૫, વિશાલ ટ્રેડિંગમાંથી રૂ. ૨ લાખ ૨૨ હજાર ૬૭૧ અને એન.કે ટ્રેડર્સમાંથી રૂ. ૨ લાખ ૫૫ હજાર ૫૩૭ મળી કુલ રૂ. ૯૬ લાખ ૭૦ હજાર ૩૧૬ રૂપિયાનો માલસમાન ખરીદી ૧૦ દિવસમાં રૂપિયા ચુકતે કરવાનો વાયદો કર્યો હતો. બાદમાં સિદ્ધપુરના આ ચાર ઈસમોએ મોબાઇલ ફોન બંધ કરી પૈસા પરત ન ચૂકવી ઠગાઈ આચરી હતી. ખેરાલુના વેપારીઓને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાની જાણ થતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જ્યાં સમગ્ર મામલે હાલમાં વેપારી ડાહ્યાભાઈ ચૌધરીએ આરોપી ભરત શર્મા, હરેશ શર્મા, હાર્દિક શર્મા અને ધાર્મિક શર્મા વિરૂદ્ધ ઠગાઈ કરવા મામલે ખેરાલુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Related Posts