અમરેલી

અમરેલીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આયોજિત શસ્ત્ર પ્રદર્શનનો ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પ્રારંભ

અમરેલીમાં રાજ્યકક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે ગુજરાત પોલીસ દ્વારા અત્યાધુનિક શસ્ત્રોના પ્રદર્શનનો ઉર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે પ્રારંભ થયો હતો. અમરેલી શહેરની સમર્થ વ્યાયામ શાળા ખાતે આ શસ્ત્ર પ્રદર્શન અમરેલીવાસીઓ તા. ૧૩ થી ૧૬ ઓગસ્ટ દરમિયાન નિહાળી શકશે. આ પ્રદર્શનમાં ગુજરાત પોલીસના ચેતક કમાન્ડો ફોર્સના અત્યાધુનિક શસ્ત્રો તેમજ ઉપકરણો પ્રદર્શન અર્થે મૂકવામાં આવ્યા છે.

આ પ્રદર્શનને ખુલ્લું મૂકતા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમરેલીના આંગણે દીવાળી જેવો માહોલ સર્જાયો છે. રાજ્ય સરકારે અમરેલીને રાજ્યકક્ષાની ઉજવણીની તક આપી અને અમરેલીએ તેને હરખભેર વધાવી છે. પ્રદર્શનનાં શસ્ત્રો આપણી આધુનિક ફોર્સની સજ્જતા દર્શાવે છે. આપણા જવાનો પાસે અત્યાધુનિક હથિયારો હોવાથી દેશની સુરક્ષા સઘન બની છે, જેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.’ અમરેલીવાસીઓને આ પ્રદર્શન નિહાળવા માટે રાજ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી.

આ પ્રદર્શનમાં લાંબા અંતરની ચોક્કસાઈ ભરી કામગીરી માટે ૭.૬૨ મીમી સ્નાઇપર રાઇફલ (ઇશાપોર) અને ૭.૬૨ મીમી ગેલિલ સ્નાઇપર રાઇફલનો સમાવેશ થાય છે. વિવિધ પ્રકારની વિશેષ કામગીરી માટે વિધ્વંસક (એન્ટી મટિરિયલ રાઇફલ), એકે-૪૭, ૭.૬૨ મીમી ઘાતક રાઇફલ, સિગ સોઅર ૫.૫૬ મીમી એસએફ રાઇફલ, ૫.૫૬ મીમી એક્સકેલિબર અને ઇન્સાસ રાઇફલ જેવી આધુનિક રાઇફલો પણ ઉપલબ્ધ છે.

ખાસ કરીને વિધ્વંસક એન્ટી મટિરિયલ રાઇફલ બંકર, હળવા બખ્તરબંધ વાહનો, રડાર તથા અન્ય મહત્વપૂર્ણ લક્ષ્યો સામેની વિશેષ કામગીરીમાં ઉપયોગી છે.

કમાન્ડો ફોર્સની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ૩૦ મીમી ઓટોમેટિક ગ્રેનેડ લોન્ચર, ૪૦ મીમી અન્ડર બેરલ ગ્રેનેડ લોન્ચર, ગ્લોક પિસ્તોલ, એમપી-૫ શ્રેણીની સબ-મશીનગન, જેવીપીસી અને અમોઘ કાર્બાઇન જેવા વિવિધ આધુનિક શસ્ત્રોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કોર્નર શોટ સિસ્ટમ જેવી વિશેષ વ્યવસ્થા કમાન્ડોને આડશમાં રહીને ખૂણાની બહારના વિસ્તારનું નિરીક્ષણ તથા જરૂરી કામગીરી કરવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત મલ્ટી સેલ લોન્ચર, ૩૮.૮ મીમી ગેસ ગન અને ટેઝર ગન જેવા સાધનો નિયંત્રણ આધારિત તથા બિનઘાતક કામગીરીમાં ઉપયોગી છે.

આધુનિક શસ્ત્રો, બિનઘાતક સાધનો, નાઇટ વિઝન ટેક્નોલોજી, ઓપ્ટિકલ સાધનો, રૅપલિંગ સાધનો અને વિશેષ તાલીમના સુમેળથી ચેતક કમાન્ડો ફોર્સ ગુજરાત પોલીસની વિશેષ કામગીરી ક્ષમતાને વધુ મજબૂત બનાવી રહી છે.

આ શસ્ત્ર પ્રદર્શન નાગરિકો માટે રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં ઉપયોગમાં લેવાતા આધુનિક શસ્ત્રો, સાધનો, ટેક્નોલોજી અને કમાન્ડો ફોર્સની વિશેષ કામગીરી ક્ષમતાને નજીકથી જાણવાનો મહત્વપૂર્ણ અવસર બની રહ્યું છે. આ પ્રદર્શન દ્વારા સુરક્ષા ક્ષેત્રમાં આધુનિકતા સાથે તાલ મિલાવી રહેલી ગુજરાત પોલીસની સજ્જતા અને સક્ષમતાની ઝલક જોવા મળશે.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દક્ષાબહેન ચોડવડીયા, સાવરકુંડલા – લીલીયા મત વિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબહેન માંગરોળિયા, અમરેલી જિલ્લા પ્રભારી સચિવ શ્રી સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ.જે. પ્રજાપતિ, સુપર ન્યૂમરરી આસિસ્ટન્ટ કલેકટરશ્રી હર્ષિતા ગોયલ, અગ્રણીશ્રી અતુલ કાનાણી, નગરપાલિકાના સભ્યો, અધિકારીશ્રી, વિધાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts